Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આંગણવાડીના ૧૪ લાખ ભૂલકાંને યુનિફોર્મ અપાશે

સરકાર દ્વારા એક સારો અને મહત્વનો નિર્ણય : રાજયની બધી આંગણવાડીના બાળકોને બે જોડી યુનિફોર્મ અપાશે : સરકાર દ્વારા યોજના માટે ૩૨ કરોડની જોગવાઇ

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલ પ૩ હજાર આંગણવાડીઓમાં લાખોની સંખ્યામાં બાળકો રમત સાથે ભણી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પહેલી વખત રાજ્યની તમામ આંગણવાડીના બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે. આ યોજના દેશની પણ પહેલી યોજના બની રહેશે. કપડાની બાબતે બાળકોમાં સમાનતાનો ભાવ રહે અને તે આંગણવાડીનાં બાળકો હોવાનું અલગ અને એકસરખી ઓળખ પણ રહેશે. આંગણવાડીઓના બાળકો માટે સરકાર દ્વારા સારો અને મહત્વનો કહી શકાય એવો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ખાનગી પ્લે ગ્રુપમાં ભણતા બાળકો માટે યુનિફોર્મ ફરજિયાત હોય છે. તેથી તમામ ભૂલકાંઓ એકસરખા યુનિફોર્મમાં સોહામણાં લાગે છે. ખાનગી પ્લે ગ્રૂપની સરખામણીએ સરકારની પ૩ હજાર જેટલી આંગણવાડીમાં મોટી સંખ્યામાં બાળકો નિઃશુલ્ક પ્લે ગ્રુપની સગવડ મેળવે છે.

સરકારી શાળાઓમાં યુુનફોર્મની વ્યવસ્થા સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે, પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી આંગણવાડીના બાળકો પણ ખાનગી ગ્રુપના બાળકો જેવા એકસરખા યુનિફોર્મમાં સોહામણાં દેખાશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરની આંગણવાડીઓની સંખ્યા પ૩ હજાર છે, તેમાં ૩ થી ૬ વર્ષના બાળકો પ્લે ગ્રુપમાં જાય છે. આ બાળકોની સરકાર દ્વારા આગામી વર્ષથી બે જોડી યુનિફોર્મ અપાશે. આ બાળકોની સંખ્યા ૧૪ લાખ જેટલી છે, જેમાં છોકરાઓ માટે ચેક્સવાળો શર્ટ-બ્લૂ રંગનું હાફ પેન્ટ પસંદ કરાયું છે. જ્યારે છોકરીઓ માટે ચેક્સવાળું પીન્ક ફ્રોક અને કોર્લર તેમજ સ્લિવ બ્લૂ રંગ મૂકવામાં આવશે. એક બાળકદીઠ એક યુનિફોર્મનો સરેરાશ ખર્ચ રૂ.રપ૦ થશે. સરકારે આ યોજના માટે બજેટમાં રૂ.૩ર કરોડની જોગવાઇ કરી છે. બાળકોને યુનિફોર્મ આપવા માટે સરકારી વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણને પગલે આંગણવાડીમાં ભણતાં બાળકોના વાલીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

(7:55 pm IST)