Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતમાં વાસ્તુ પૂજનના દિવસે વેપારીના ઘરેથી 40 લાખના દાગીના સેરવનાર નોકરની ધરપકડ

સુરત: શહેરમાં વસતા ફકતને ફકત રાજસ્થાની જૈન પરિવારોને નિશાન બનાવીને ચોરી કરતો રીઢો રાજસ્થાની તસ્કર ૨૫ દિવસ અગાઉ સીટીલાઇટના કાપડના વેપારીને ત્યાં વાસ્તુ પૂજનના દિવસે જ નોકર તરીકે રહીને કલાકોમાં રૂ.૪૦ લાખના દાગીના ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ રીઢા ચોરને પોલીસે મુદ્વામાલ સાથે ઝડપી પાડયો છે. છેલ્લા આઠ વર્ષમાં આ રીતે છ રાજસ્થાની પરિવારને ત્યાં કરોડો રૂપિયાની ચોરી કરી ચૂકયો છે.

સીટીલાઇટ રોડ પરના સ્વીમ પેલેસમાં નવુ ઘર ખરીદનાર કાપડના વેપારી વિમલ વિશ્વનાથ બેડીયાએ ૨૪મી નવેમ્બરના રોજ ઘરનું વાસ્તુ પૂજન રાખ્યું હતું. નવા ઘરમાં નોકર તરીકે જયંતીલાલ ઉર્ફે કમલેશ યાદવ ખેતમલ ઓસવાલ (જૈન) (ઉ.વ.૨૬, રહે. ફ્લેટ નં.૫૦૯, ડી ટાવર, સુર્ય પ્રકાશ એપાટેમેન્ટ, સીટીલાઇટ, સુરત મૂળ રહે. રાજસ્થાન) ને રાખ્યો હતો. વાસ્તુ પૂજન વખતે જ નોકર કમલેશે ઘરવાળાની નજર ચૂકવીને રૂ.૪૦ લાખની કિંમતના સોનાના દાગીના ચોરીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન પીઆઇ એમ.એમ.પુવાર અને પીએસઆઇ સી.પી.ચૌધરીને બાતમી મળી હતી કે, રૂ.૪૦ લાખના દાગીનાની ચોરી કરનાર ચોર સોનુ વેચવા સુરત આવનાર છે.અને રેલવે સ્ટેશનની હોટલમાં ઉતરનાર છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કમલેશ રેલવે સ્ટેશનથી ઉતરી ગુડ્સ યાર્ડ નજીકથી જતો હતો તે વખતે પોલીસે તેની અટક કરી હતી.

(5:11 pm IST)