Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

હાય રે બેકારી... ગોધરાના કોમર્સ ગ્રેજ્‍યુએટ અને ITI કરેલા યુવાને શરૂ કર્યું મોચીકામ

શરૂ કર્યુ ‘શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બુટ - ચપ્‍પલ રીપેરીંગ સેન્‍ટર'

એક તરફ જયાં સરકાર યુવાનોને નોકરી મળી રહી છે તેના દાવા કરે છે તો બીજી તરફ વાસ્‍તવિકતા કંઇક અલગ જ દેખાય છે. ગોધરામાં એક ઉચ્‍ચ અભ્‍યાસ ધરાવતા યુવકને નોકરી ન મળતી હોવાને કારણે બુટ ચંપલ રીપેર કરવાનું એટલે મોચીનું કામ શરૂ કર્યું છે. જેને યુવકે નામ આપ્‍યું છે શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બુટ ચંપલ રીપેરીંગ સેન્‍ટર.'

મૂળમધ્‍ય પ્રદેશનો અને હાલ ગોધરામાં રહેતો, કોમર્સ ગ્રેજયુએટ અને આઈટીઆઈ કરેલા આ યુવાન ઓમવીર માન્‍ડરે (ઉ વ ૨૪) અત્‍યાર સુધી સરકારના ચાર ભરતી મેળામાં ગયો હતો.

તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓમાં પણ નોકરીની શોધમાં ગયો હતો. પરંતુ તેને ક્‍યાંય નોકરી ન મળી હતી. જેને કારણે તેણે ગોધરાના બામરોલી રોડ પર આવેલ ભવાનીનગર પાસે બુટ ચંપલ રીપેરીંગ સેન્‍ટર ફૂટપાથ પર ચાલુ કર્યું છે.

આ બૂટ-ચંપલ રીપેરીંગમાં તે માસિક છથી આઠ હજારની આવક મેળવી રહ્યો છે અને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે. બીકોમ ફાઇનલ સુધીનો અભ્‍યાસ અને ત્‍યારબાદ સારી એવી નોકરી મળી રહે તેના માટે કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔધોગિક તાલીમ સંસ્‍થામાં કોમ્‍પ્‍યુટરનો પણ અભ્‍યાસ કરી ચુકેલો આ યુવાન મૂળ મધ્‍યપ્રદેશના ઇન્‍દોર શહેરનો રહેવાસી છે.

તે નાનપણથી જ ગોધરામાં પોતાના મામાના ઘરે રહે છે. તેણે એકથી દસ ધોરણ સુધીનો અભ્‍યાસ ગોધરામાં જ કર્યો હતો. ત્‍યારબાદ ધોરણ ૧૧,૧૨ અને કોલેજ માટે પોતાના વતન ઇન્‍દોરમાં ગયો હતો ત્‍યાં તેને બીકોમ ફાઇનલ સુધી કોલેજમાં અભ્‍યાસ કર્યો હતો. ત્‍યારબાદ પરત ગોધરા મામાના ઘરે આવી ગયો છે.

આટલો ઉચ્‍ચ અભ્‍યાસ કર્યો હોવા છતાંય આ અભ્‍યાસમાં કોઈ કમી રહી હોવાનો અહેસાસ થતા તેને કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔધૌગિક તાલીમ સંસ્‍થામાં કોમ્‍પ્‍યુટર ટ્રેનિંગ કોર્ષ કર્યો હતો અને ત્‍યારબાદ સરકાર દ્વારા યોજવામાં આવતા ભરતી મેળામાં અનેક વખત નોકરી મેળવવા માટે પોતાનું નામ રજીસ્‍ટ્રેશન કરાવતો હતો. પરંતુ સરકારના આટલા આટલા ભરતી મેળા થયા હોવા છતાંય રોજગારીની તકો ઉભી ન થઈ હતી.

શિક્ષિત યુવાન, ઓમવીર માંડરે અમારી સાથે વાતચીત કરતાં જણાવ્‍યું કે, ‘મેં ઇન્‍દોરમાં બીકોમ અને ગોધરાના અડાદરાથી આઈટીઆઈનો અભ્‍યાસ કર્યો છે. મેં એપ્રેન્‍ટીસ માટે પંચમહાલ જીલ્લાના તમામ જગ્‍યાએ અરજીઓ કરી છે. ખાનગી કંપનીમાં પણ અરજીઓ કરી છે. મામલતદાર કચેરીમાં આવેલ રોજગાર કચેરીમાં પણ મારું નામ નોધાવ્‍યું છે પણ મને ક્‍યાય નોકરી મળી નથી. માટે મેં આ કામની શરૂઆત કરી છે. સરકાર પાસે મારી માંગણી છે કે દેશમાં અને રાજયમાં મારા જેવા અનેક યુવાનો છે જેમણે ઉચ્‍ચ અભ્‍યાસ કર્યો છે પણ તેમને હજુ સુધી રોજગારી મળી નથી. તો તેની પણ મદદ કરવા વિનંતી છે.'

 

(11:23 am IST)