Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દ્વારકા પાસે ઇમરજન્‍સી વિમાન ઉતરાણ સુવિધા બનાવાશે

દત્રાણા - જવાનપર ગામ વચ્‍ચે ૪ હવાઇયાન પાર્કિગ કેન્‍દ્ર, કંટ્રોલ ટાવર બન્‍ને છેડે ફાટક નિર્માણ કરાશેઃ કુલ ૮૩ાા કરોડનો ખર્ચો : દેશમાં ૭ રાજયોમાં ૧૧ ઇમરજન્‍સી લેન્‍ડી એર સ્‍ટ્રીપ બનશેઃ મનસુખ માંડવિયાની જાહેરાત

ગાંધીનગર તા.૧૯: માલસામાન તથા જીવન જરૂરી ચીજવસ્‍તુઓના પરિવહન તથા સૈન્‍ય સંચાલન માટે સડક અને રેલ માર્ગો મુખ્‍ય આધાર છે. પરંતુ કુદરતી આફતો તથા તાકીદનાં પ્રસંગે સડક અને રેલમાર્ગે ખોરવાઇ જાય છે, ત્‍યારે માત્ર હવાઇમાર્ગ આખરી વિકલ્‍પ હોઇ છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગે જયારે તાકીદે સહાય પહોંચાડવી હોઇ તો હવાઇસેવા જ વિકલ્‍પ હોઇ છે. પરંતુ ‘ઇમરજન્‍સી લેન્‍ડીંગ'ની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે. આ માટે ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઇવે પર ‘ઇમરજન્‍સી લેન્‍ડીંગ'ની સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં ગુજરાતમાં આ પ્રકારની સુવિધા દ્વારકા પાસે નિર્માણ કરાશે તેમ કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે.

આ ‘ઇમરજન્‍સી લેન્‍ડીંગ' વ્‍યવસ્‍થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્‍ડિયન એયરફોર્સનું એક ઇન્‍ટર મીનીસ્‍ટ્રીઅલ કો-ઓર્ડીનેશન ગ્રુપ બનાવવામાં આવેલ તેમજ સ્‍થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્‍ડિયન એયરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સંયુકત ઇન્‍સ્‍પેકશન ગોઠવી સ્‍થળ નક્કી કરવામાં આવેલ છે. શરૂઆતના તબક્‍કે જુદા-જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર ઇમરજન્‍સી લેન્‍ડીંગ સુવિધા નિર્માણ કરવા અંગે ફીઝીબીલીટી સ્‍ટડી હાથ ધરવામાં આવેલ. ફીઝીબીલીટી સ્‍ટડીના આધારે ૧૩ માર્ગો પર ઇમરજન્‍સી લેન્‍ડીંગ સુવિધા નિર્માણ શકય જણાયું. આ ૧૩ પૈકી ર માર્ગો જુદી-જુદી રાજય સરકારો હસ્‍તકના છે, જયારે બાકીના ૧૧ સ્‍થળો નેશનલ હાઇવે ઓથોરીટી હસ્‍તકના છે તેમ કેન્‍દ્રીય ભૂમિ પરિવહન, હાઇવેઝ, ખાતર વગેરે વિભાગોના મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને જણાવ્‍યું હતું.

આ ઇમરજન્‍સી લેન્‍ડીંગ ડીઝાઇન તથા જરૂરી સુવિધાઓ માટે સ્‍ટાન્‍ડર્ડ ડીઝાઇન બનાવવામાં આવેલ છે. આ ડીઝાઇન અનુસાર તેમા ચાર હવાઇયાન પાર્કિંગ સ્‍લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્‍ટ્રીપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્‍ટ્રીપની બંન્ને સાઇડ પર વીજળીનાં થાંભલા, મોબાઇલ ટાવર, વૃક્ષો વિગેરે દૂર કરવામાં આવશે. ૫ થી ૬ કિ.મી. લંબાઇની આ એર સ્‍ટ્રીપમાં રોડ વચ્‍ચે ડીવાઇડર રહેશે નહિ. ૬૦ મીટર પહોળા આ રોડમાં બંને બાજુ મળીને ૩૩ મીટર જેટલો સિમેન્‍ટ કોંક્રીટ રોડ રહેશે તેમ તેમણે ગાંધીનગર સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પણ ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર દ્વારકા જિલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ' વચ્‍ચે પ કિ.મી. લંબાઇની ઇમરજન્‍સી લેન્‍ડીંગ સ્‍ટ્રીપ બનાવવાનું કામ ચાલુ કરેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઇમરજન્‍સી લેન્‍ડીંગ એર સ્‍ટ્રીપ બનશે.

દેશમાં જે ૧૧ જગ્‍યા પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જે ઇમરજન્‍સી લેન્‍ડીંગ સ્‍ટ્રીપ બનાવવાની છે જેમાં ગુજરાત, રાજસ્‍થાન, બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્‍મુ કાશ્‍મીર, ઓડીસાનો સમાવેશ થાય છે.

(11:19 am IST)