Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

FIR કેમ નથી? કહીને વીમા કંપની એક્‍સિડેન્‍ટલ ડેથમાં ક્‍લેમ રીજેક્‍ટ ન કરી શકે

હોવી જોઇએ પણ ફરજીયાત નથી : વીમા કંપનીને વળતર આપવા આદેશ

અમદાવાદ તા. ૧૯ : કન્‍ઝ્‍યુમર કોર્ટે તાજેતરમાં ઓર્ડર આપતા વીમા કંપનીને તેના ગ્રાહકને રૂા. ૧ લાખની રકમ આપવા આદેશ આપ્‍યો છે. આ પહેલા કંપનીએ મહિલાના દાવાને એટલા માટે નકારી કાઢ્‍યો હતો કે તેના પતિનું અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું પણ આ અંગેની FIR, પંચનામા અને પોસ્‍ટમોર્ટમ નોટ નહોતી. કંપનીની આ દલીલને કોર્ટે હાઇપર ટેક્‍નિકાલિટી' જણાવી ફગાવી દીધી હતી.

મહેસાણાના આ કેસમાં જિલ્લા કન્‍ઝ્‍યુમર કોર્ટ બુધવારે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, ‘ઇન્‍સ્‍યોરન્‍સ કંપની મુજબ અકસ્‍માતના કેસમાં વીમાની ચૂકવણી માટે FIR, પંચનામું, પોર્ટમોર્ટમ નોટ જરુરી છે. પણ આ એક હાઈપર ટેક્‍નિકાલિટી છે. આ ડોક્‍યુમેન્‍ટ સબૂત તરીકે હોવા જરૂરી છે પણ તે ફરજીયાત હોવા જ જરૂરી નથી.'

ઉંઝામાં રહેતા ભાવના પટેલ(૪૪) દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના પતિ જાન્‍યુઆરી ૨૦૧૬માં એક રોડ અકસ્‍માતનો ભોગ બન્‍યા બાદ ૧૮ દિવસ સુધી હોસ્‍પિટલમાં સારવાર પછી મૃત્‍યુ પામ્‍યા હતા. આ સમયે અમને કોઈને ખબર નહોતી કે વીમાની રકમ મેળવવા માટે પોસ્‍ટમોર્ટમ કરાવવું જરૂરી છે અમે તેમના અંતિમ સંસ્‍કાર કરી દીધા હતા.

તેમના પતિ શ્રી ઉમિયામાતા દેશ યુવક મંડળના સભ્‍ય હોઈ તેમને રૂા.૧ લાખનું એક્‍સિડેન્‍ટ ઇન્‍સ્‍યોરન્‍સ કવર મળ્‍યું હતું. જયારે ભાવનાબેને આ માટે ક્‍લેમ કર્યો તો કંપનીએ એવું કહીને વીમાની રકમ આપવાની ના પાડી દીધી હતી કે તેમના પતિનું એક્‍સિડેન્‍ટમાં જ મૃત્‍યુ થયું છે તે અંગે સાબિતી આપતો ગકોઈ પુરાવો નથી જેથી આ ક્‍લેમ મંજૂર થઈ શકે નહીં.

જયારે સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચ્‍યો ત્‍યારે પણ કંપનીએ કહ્યું કે આ ત્રણ ડોક્‍યુમેન્‍ટ્‍સ વગર તેઓ ક્‍લેમ પાસ કરી શકે નહીં કેમ કે નિયમાનુસાર આ ડોક્‍યુમેન્‍ટ્‍સ જરૂરી છે. જયારે ફરિયાદીના વકીલે કહ્યું હતું કે, ‘જે ડોક્‍ટરે મૃતક કમલેશની સારવાર કરી હતી તેઓ પણ એક્‍સિડેન્‍ટ અંગે જાણે છે અને તેમણે પોલીસને પણ જાણકારી આપી હતી પરંતુ કમલેશ મૃત્‍યુ સુધી કોમામાં રહેવાથી પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. તેમજ કાયદાની દ્રષ્ટીએ એક્‍સિડેન્‍ટલ ડેથમાં પોસ્‍ટમોર્ટમ જરુરી નથી. તેમજ એક્‍સિડેન્‍ટમાં મૃત્‍યુ થયું હોય ત્‍યારે સાબિતી માટે પોર્ટમોર્ટમ રિપોર્ટ ફરજીયાત પણ નથી.'

બંને તરફની દલીલ સાંભળ્‍યા બાદ કોર્ટે કહ્યું કે, ‘આ કેસમાં મૃતકના પત્‍ની કરતા વધારે જવાબદારી પોલીસ અધિકારીઓની બને છે. જેઓ આ કેસની તપાસ કરી હતી તેમણે આ તમામ બાબતની જાણકારી પરીવારને આપીને પોસ્‍ટમોર્ટમ કરાવવું જોઈતું હતું. પણ જયારે હવે પોસ્‍ટમોર્ટમ નથી થયું ત્‍યારે પણ ક્‍લેમની રકમ ચૂકવવા માટે કંપની ના પાડી શકે નહીં કેમ કે આ રિપોર્ટ હોવા જ જોઈએ તેવું ફરજીયાત ક્‍યાંય કાયદામાં કહેવામાં આવ્‍યું નથી.

(10:49 am IST)