Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ખેડૂતોની કફોડી હાલત : હજુ સુધી ૧૪ ખેડૂતોનો આપઘાત

સપ્ટેમ્બર મહિના બાદથી જ ૧૪ની આત્મહત્યા : અપુરતા વરસાદના લીધે બધા પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી : ખાતર અને જંતુનાશકોના ભાવ આસમાને

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાતમાં ઓછા વરસાદના પરિણામ સ્વરુપે પાક નિષ્ફળ જતાં ખેડૂતો દ્વારા આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સપ્ટેમ્બર મહિના બાદથી જ કુલ ૧૪ ખેડૂતો આપઘાત કરી ચુક્યા છે. છેલ્લા થોડાક વર્ષોમાં સિંચાઈ માટે મૂડી ખર્ચનો આંકડો રોકેટગતિએ વધી ગયો છે. જંતુનાશક અને ખાતરોની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. જંતુનાશક દવાઓની કિંમતો વધી છે. આવી સ્થિતિમાં સિંચાઈ માટે ખેડૂતો ઉપર સતત બોજ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો સહિત રાજ્યના ખેડૂતોને ખુબ નીચી કિંમતે તેમની પેદાશો વેચવાની ફરજ પડી રહી છે. હવે પાણીના અભાવે પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતો ઉપર દિનપ્રતિદિન દબાણ વધી રહ્યું છે. ખેડૂતો દ્વારા આપઘાતના બનાવો સતત વધતા તેમની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોનું ભાવિ અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ વર્ષે ખેડૂતોએ બે વખત બિયાની ખરીદી કરી હતી. વરસાદમાં વિલંબ થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ૨૦મીમી સુધીનો વરસાદ થઇ ગયા બાદ જૂન મહિનામાં વાવણી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કોઇ વારસાદ પડ્યો ન હતો જેથી ખેતરમાં બિયા નિષ્ક્રિય થઇ ગયા હતા. ત્યારબાદ ૧૫મી જુલાઈ બાદ જ્યારે વાસ્તવિક વરસાદની શરૂઆત થઇ ત્યારે ખેડૂતોને ફરીવાર બિયાની ખરીદી કરવાની ફરજ પડી હતી. બીજી વખત વાવણીની ફરજ પડી હતી. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતો ઉપર સતત બોજ પડી રહ્યો છે. હવે દેવભૂમિ દ્વારકામાં ૩૩ વર્ષીય ખેડૂત વિક્રમ દ્વારા આપઘાત  કરવામાં આવતા તેના પરિવાર ઉપર આફત આવી ગઈ છે. દરેક બાબતો મુશ્કેલરૂપ બની જતા વિક્રમે આખરે ઝેર પીને ૧૦મી નવેમ્બરના દિવસે આપઘાત કરી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગડિયા ગામમાં તેના પરિવારના લોકો રહે છે. કમાણી કરનાર એકમાત્ર આધાર જતા રહ્યા બાદ હાલત કફોડી બની ગઈ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, તેમની પાસે ખુબ ઓછી જમીન રહેલી છે. પાક નિષ્ફળ જવાના લીધે હાલત વધુ કફોડી બની હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આ વર્ષે જિલ્લાવાઈઝ સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં વર્ષ ૨૦૧૭માં ૧૫૪.૨૫ ટકા સરેરાશ વરસાદની સામે આ વખતે ૪૨.૫૧ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ગયા વર્ષે ૧૧૩.૦૩ ટકા વરસાદ થયો હતો જ્યારે આ વખતે માત્ર ૪૬.૩૫ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે પહેલાથી જ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના સંપૂર્ણ આંકડા જારી કરાયા બાદ તંત્ર પણ હચમચી ઉઠ્યું છે. ખેડૂતોના હિતમાં વહેલી તકે પગલા લેવામાં આવે તે ખુબ જરૂરી છે.

જિલ્લાવાઈઝ વરસાદ

કચ્છમાં સૌથી ઓછો વરસાદ

અમદાવાદ, તા. ૧૮ : વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં જિલ્લાવાઈઝ સરેરાશ વરસાદનો આંકડો ટકામાં નીચે મુજબ છે.

જિલ્લા               ૨૦૧૭             ૨૦૧૮

સુરેન્દ્રનગર          ૧૫૪.૨૫           ૪૨.૫૧

રાજકોટ             ૧૨૭.૨૭           ૫૫.૧૧

મોરબી              ૧૯૩.૭૫           ૪૩.૬૩

જામનગર           ૧૦૯.૫૪           ૫૩.૮૦

દેવભૂમિ દ્વારકા      ૧૧૩.૦૩           ૪૬.૩૫

પોરબંદર            ૯૪.૬૨            ૬૦.૬૭

જુનાગઢ             ૯૯.૫૮            ૯૨.૩૫

ગીરસોમનાથ        ૧૨૧.૮૮           ૧૪૧.૨૮

અમરેલી             ૯૫.૪૨            ૭૭.૫૮

ભાવનગર           ૧૦૦.૧૪           ૭૪.૦૯

બોટાદ              ૧૧૭.૩૮           ૬૧.૮૩

કચ્છ                ૧૧૫.૪૫           ૨૬.૫૧

(9:31 pm IST)