Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આસોદર ચોકડી નજીકથી ઘરફોડિયા રીઢા ચોરને ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે આસોદર ચોકડી પાસે વોચ ગોઠવીને ૨૦થી વધુ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા રીઢા ઘરફોડીયાને ઝડપી પાડીને તાજેતરમાં થયેલી ત્રણ જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા તેના બનેવીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો કઠોલનો રાજુભાઈ ઉર્ફે બુચીયો પુનમભાઈ તળપદા જામીન પર છુટીને પોતાની આગવી ગેંગ બનાવી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓ કરે છે અને આજે આસોદર ચોકડી પાસે ભેગા થવાના છે જેના આધારે એલસીબી પોલીસે આસોદર ચોકડીએ વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાજુભાઈ ઉર્ફે બુચીયો આવી ચઢતાં પોલીસ સતર્ક થઈ ગઈ હતી. પોલીસની હિલચાલની ગંધ આવી જતાં જ રાજુ ઉર્ફે બુચીયો ભાગ્યો હતો પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તેની તલાસી લેતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે અંગે પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો જેથી તેને એલસીબી મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં મોબાઈલ ચોરીનો હોવાનું ખુલવા પામ્યું હતુ. 
તેણે કરેલી કબૂલાત અનુસાર મુળ ખડોલ ઉમેટાના પરંતુ હાલમાં કઠોલ ખાતે રહેતા પોતાના બનેવી નટુભાઈ છોટાભાઈ તળપદા સાથે ખડોલ (હ)ગામે, રાસ ગામે તેમજ પેટલાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ મળીને કુલ ત્રણ ચોરીઓને અંજામ આપીને દોઢ લાખથી વધુની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેને વધુ તપાસ અર્થે આંકલાવ પોલીસના હવાલે કર્યો હતો.

(4:54 pm IST)