Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આણંદના નવા એસટી ડેપોમાં મહિલા મુસાફરે ડ્રાઈવરને માર મારતા પોલીસ ફરિયાદ

આણદ:ના નવા એસટી ડેપોમા ગઈકાલે વટાવની એક મહિલા મુસાફરે ડ્રાયવરને હું જ્યાં કહુ છુ ત્યાં કેમ ઉતારતો નથી તેમ જણાવીને ઝઘડો કરી ચપ્પલથી માર મારતાં આ અંગે આણંદ શહેર પોલીસે મહિલા સહિત કુલ ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના સાંઢેલી તાબે જીભાઈના મુવાડા ખાતે રહેતા ભીખાભાઈ હરીભાઈ પરમાર આણંદ એસટી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. તેઓ દરરોજ રામોદડીથી આણંદની બસ ફેરવે છે. તેમની બસમાં વટાવથી સ્ત્રી મુસાફરોની સાથે જોસપીનાબેન સુરેશભાઈ પરમાર પણ અપ-ડાઉન કરે છે. તેઓ જિલ્લા સેવા સદનના રીક્વેસ્ટ સ્ટેન્ડ પછી ઉતરવાનો આગ્રહ રાખે છે જે માન્ય ના રાખતા તેમની સાથે બોલાચાલી ચાલતી હતી. ગઈકાલે સવારના સુમારે પણ આ બાબતે જોસપીનાબેને બોલાચાલી કરી હતી અને બસની સાથે આણંદના નવા એસટી ડેપોમાં મેનેજરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. 
મેનેજરની ઓફિસમાં જતા જ જોસપીનાબેન દ્વારા તુ મને કહ્યા મુજબ જે તે જગ્યાએ કેમ ઉતારતો નથી તેમ જણાવીને ચંપલ કાઢીને ડ્રાયવર ભીખાભાઈને બે થી ત્રણ વખત માર માર્યો હતો. દરમ્યાન કર્મચારીઓ એકત્ર થઈ જતાં જોસપીનાબેને કોઈને ફોન કરતા તેમનો પુત્ર અક્ષય સુરેશભાઈ પરમાર, કૌશલભાઈ અશોકભાઈ પરમાર તથા હીરેનભાઈ જોનભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને તેઓએ પણ ગમે તેવી ગાળો બોલીને અક્ષયે ડ્રાયવરને ગડદાપાટુનો માર માર્યો હતો.

(4:53 pm IST)