Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બોરસદની વાસદ ચોકડી નજીક આઇસરની હડફેટે બાઈક સવાર યુવતીની કમકમાટી ભર્યું મોત

બોરસદ: વાસદ ચોકડી પાસે કોર્ટ નજીક બુધવારે નમતી બપોરે વાસદ ચોકડીથી સેવા સદન તરફ જઈ રહેલ બાઈક ચાલકને વાસદ ચોકડીથી આણંદ ચોકડી તરફ જઈ રહેલા આઈસર ટેમ્પાના બાઈકને ટક્કર મારતાં બાઈક પર પાછળની સીટ પર બેસેલ યુવતી રોડ પર પટકાઈ હતી અને આઈસરનું ટાયર તેના શરીર પર ફરી વળ્યું હતું. જેને લઈ યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. 
મળતી વિગતો અનુસાર બોરસદ મદીના નગરમાં રહેતા મુદ્દસરઅલી હાફેઝઅલી સૈયદ બુધવારે બપોરે ૨:૩૦ કલાકે પોતાની બાઈક નં. જીજે ૨૩ એક્યુ ૨૭૬૦ પર પોતાની ભાણી આઈસાબાનું દસ્તગીરઅલી સૈયદને લઈ તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડના કામ અર્થે જવા નીકળ્યા હતા ત્યારે વાસદ ચોકડી પાસે કોર્ટ નજીક રસ્તા પરથી પસાર થતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ આઈસર નં. જીજે ૨૩ વાય. ૮૨૫૮ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેને લઈ બાઈક ચાલક મુદ્દસર બાઈક પરથી ઉછળી દૂર ફંગોળાયા હતા. જ્યારે બાઈકની પાછળની સીટ ઉપર સવાર આઈસાબાનું દસ્તગીરઅલી સૈયદ (ઉ.વ. ૧૯) બાઈક પરથી ઉછળીને રસ્તા પર પછડાયા હતા અને તેઓના માથા ભાગે આઈસરનું ટાયર ચઢી ગયું હતું. જેને લઈ ૧૯ વર્ષીય યુવતી આઈસાબાનુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને આઈસર ચાલક આઈસરને થોડે દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ ફેલાયેલો હતો. અકસ્માતને લઈ રસ્તા પર બન્ને તરફ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઈવે માર્ગને એક તરફથી ખુલ્લો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. લોકોમાં ભારે આક્રોશ હોઈ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી આઈસરને હટાવી લઈ પોલીસ મથકે મૂકી દેવામાં આવી હતી. પોલીસે લાશને બોરસદ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી બાઈક ચાલકની ફરિયાદના આધારે આઈસર ચાલક વિરુદ્ઘ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

(4:52 pm IST)