Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નાના મુવાડા નજીક વોરંટ પર નીકળેલ પોલીસ પર જીવલેણ હુમલો

કપડવંજ: તાલુકાના નવા મુવાડા તાબે પોરડામાં કોર્ટનું વોરંટ બજાવવા ગયેલ પોલીસને અમે પોલીસ સ્ટેશનમાં નથી આવવાના તેમ કહી આરોપીઓએ ખેંચતાણ કરી ખાખી વર્દીના બટન તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે કઠલાલ પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ ઈસમો સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના નવામુવાડા તાબે પોરડામાં થોડા સમય પહેલાં પરમાર પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મોતીભાઈ પરમાર સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગેની ચાર્જશીટ કઠલાલ જ્યુડિશીયલ કોર્ટમાં રજૂ થતાં કેસની સુનાવણી શરૂ થઈ હતી. જેમાં મુદત હોવા છતાં આરોપીઓ કોર્ટમાં હાજર થતા ન હતા. જેથી કોર્ટે આરોપીઓ સામે લાલ આંખ કરી હાજર પકડ વોરંટ બજાવવા તેમના ઘરે નવામુવાડા ગામે ગયા હતા ત્યારે મનુભાઈ મોતીભાઈ અને સંજય જવાનસિંહ પરમારે પકડ વોરંટ બજાવવા ગયેલ પોલીસ કર્મીને જણાવેલ કે અમે પોલીસ સ્ટેશન નથી આવવા, અમારો સાહેબ નથી, તારાથી થાય તે કરી લેજે. જ્યારે ગીરીશભાઈ મનુભાઈ પરમારે પોલીસ કર્મીને બિભત્સ ગાળો બોલી તું અહીંથી જતો રહે તેમ જણાવ્યું હતું. તો બીજી બાજુ પોલીસના કામમાં સહકાર આપવાને બદલે આરોપી મનુભાઈએ અમૃતભાઈ રમતુભાઈને પકડી ખેંચતાણ કરી ગડદાપાટુ માર માર્યો હતો. એટલું જ નહિ પોલીસની વર્દીના બટન તોડી નાંખી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. નાનકડાં એવા નવા મુવાડામા આરોપીઓને વોરંટ બજાવવા ગયેલ પોલીસ હીચકારો હુમલાના બનાવે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગેની જાણ થતાં કઠલાલ પોલીસે દોડી જઈ પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની અટક કરી હતી. 
આ બનાવ અંગે અમૃતભાઈ રમતુભાઈ ની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે મનુભાઈ મોતીભાઈ, સંજયભાઈ જવાનસિંહ તેમજ ગીરીશભાઈ મનુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)