Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ડાકોરમાંથી એક લાખ ભરેલ થેલીની ચીલઝપ કરનાર મહિલા સીસીટીવીમાં કેદ

ડાકોર:યાત્રાધામ ડાકોરની એસબીઆઇ બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ પરત જઇ રહેલ વધુ એક ઇસમના રૂપિયાની ચીલઝડપ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભદ્રાસા ગામના ઇસમ મંગળવારે સવારના સમયે ડાકોરની બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવ્યા હતા. જે બાદ ઘરે પરત જતા સમયે તેમના બાઇક પર ભરાવેલી બેગ લઇ એક મહિલા છુમંતર થઇ ગઇ હતી. સોની બજારના વેપારીના સીસીટીવી ફુટેજમાં બેગ લઇને જઇ રહેલી મહિલા નજરે પડી છે, જે દૃશ્યો પરથી પોલીસે મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
યાત્રાધામ ડાકોરના બસ સ્ટેશન વિસ્તારમાં એસબીઆઇ બેંક આવેલ છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં બેંક હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મંગળવારે સવારના સમયે ભદ્રાસા ગામના રાજેન્દ્રસિહ વજેસિહ રાઉલજી બેંકમા રૂપિયા ઉપાડવા આવ્યા હતા. જેઓએ પોતાના ખાતામાંથી રૂપિયા એક લાખની રકમ ઉપાડી હતી. જે બાદ તેઓ ઘરે પરત જવા રવાના થયા હતા. ઘરે પરત જતા સમયે રાજેનદ્રસિહે રસ્તામાંથી શાકભાજી ખરીદવા ઉભા રહ્યા હતા. દરમ્યાન તેઓએ રૂપિયા એક લાખ ભરેલ બેગ બાઇકના પાછળના ખાનામાં મૂકી હતી. જોકે તેઓ શાકભાજી ખરીદી પરત આવ્યા ત્યારે તેઓએ બાઇકમાં મૂકેલ રૂપિયાની બેગ નહી જોતા ચોક્કસ કોઇ અનિચ્છનીય ઘટના ઘટી હોવાનું લાગ્યું હતુ. જેથી તેઓએ ડાકોર પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર હકીકત વર્ણન કરતા પોલીસ પણ કાયદેસર કાર્યવાહી કરવા કામે લાગી હતી. 
આ લખાઇ રહ્યું છે ત્યારે પોલીસ આરોપીને સાથે લઇ ડાકોર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી ફુટેજ ચેક કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસને એક સોનીની દુકાનમાંથી સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. જેના આધારે પોલીસે ચોર મહિલાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(4:51 pm IST)