Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગયા જુલાઈમાં મોસમનો ૩૯ ટકા વરસાદ થયેલ, આ વર્ષે ૪૪ ટકા થઈ ગયો

હજુ બે ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી :૭૦ તાલુકાઓમાં ૫ ઈંચથી ઓછો વરસાદ, બાકીના બધા તાલુકાઓમાં એનાથી વધુ મેઘ મહેરઃ એન.ડી.આર.એફ.ના ૬૦૦ જેટલા જવાનો ગુજરાતમાં ખડે પગે

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર મેઘસવારી આવતા મોસમના કુલ વરસાદના અડધા જેટલો વરસાદ પડી ગયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષની ૧૬ જુલાઈએ મોસમના કુલ વરસાદની સરખામણીએ ૩૯ ટકા વરસાદ પડયો હતો. આ વખતની ૧૬ જુલાઈ સુધીમાં ૪૪ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હજુ બે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી છે.

રાજ્યના ૨૨૫ પૈકી ૭૦ તાલુકાઓમાં આજના દિવસ સુધીમાં ૫ ઈંચથી ઓછો વરસાદ પડયો છે. બાકીના બધા તાલુકાઓમાં ૫ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. છેલ્લા અઠવાડીયામાં ચિત્ર ફરી ગયુ છે. નર્મદા સહિતના ડેમોમાં પાણીની નોંધપાત્ર આવકને કારણે પીવાના પાણીનો પ્રશ્ન ઘણો હળવો થયો છે. મુશળધાર વરસાદને કારણે જમીનને ખૂબ ફાયદો થયો છે. ખેડૂતો હોંશે હોંશે ખેતીના કામમાં લાગ્યા છે.

રાજ્યમાં ગીર ગઢડા જેવા અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. આજે સવારથી આ લખાય છે ત્યાં સુધીમાં કયાંય ભારે વરસાદના વાવડ નથી. સરકારે એનડીઆરએફની ૨૦ ટીમના ૬૦૦ જેટલા જવાનોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખડેપગે રાખ્યા છે. હજુ ચોમાસાનો ઘણો સમય બાકી છે તેથી જરૂરીયાત મુજબ સારો વરસાદ થઈ જવાની આશા બળવાન બની છે. ગઈકાલે સરકારના વેધર વોચ ગ્રુપની બેઠક રાજ્યના રાહત કમિશનર શ્રી મનોજ કોઠારી (આઈ.એ.એસ.)ની અધ્યક્ષતામાં મળી હતી. સમગ્ર પરિસ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે.

(4:19 pm IST)