Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અડધુ ગુજરાત કોરૂ : અડધુ જળબંબાકાર

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી : કચ્છ - ઉત્તર ગુજરાત હજુ રાહમાં : સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ : મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા ૨૦ ટકા વધુ પડી ગયો : રાજ્યમાં સીઝનનો ૫૭ ટકા પડયો : સૌરાષ્ટ્રમાં ૪૬ ટકા : કચ્છમાં બે ટકા : ઉ.ગુજરાતમાં ૧૮ ટકા

મુંબઇ તા. ૧૮ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘપ્રકોપથી હજુ સુધી કોઈ રાહત નથી મળી. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો ૫૭ ટકા વરસાદ પડી ચૂકયો છે, જયારે સૌરાષ્ટ્રમાં પણ ૪૬ ટકા વરસાદ થઈ ચૂકયો છે. જોકે, કચ્છ અને ઉત્ત્।ર ગુજરાતમાં હજુ જોઈએ એવો વરસાદ નથી થયો. કચ્છમાં અત્યાર સુધી સીઝનનો માત્ર બે જ ટકા વરસાદ થયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૧૮ ટકા વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલો વરસાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. વરસાદને કારણે અત્યાર સુધીમાં ૨૮ લોકોના મોત થયા છે. ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદનું જોર થોડું ઘટતા રાહત થઈ છે. પરંતુ જામનગર, જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ તેમજ જુનાગઢમાં અત્યાર સુધી સરેરાશ કરતા ૨૦ ટકા વધુ વરસાદ પડી ચૂકયો છે.

ભારે વરસાદથી મંગળવારે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ધર્મેન્દ્ર ચાવડા નામનો યુવક બાઈક સાથે ભૂપગઢ ગામે નદીમાં તણાઈ ગયો હતો. જયારે, ઉપલેટાાં ૪૫ વર્ષીય મહિલાને શોક લાગતા તેનું મોત થયું હતું. સુત્રાપાડાના ૧૭ જેટલા ગામો મંગળવાર સુધી સંપર્કવિહોણા હતા. જયારે ઉના તાલુકાનું વાસોજ ગામ તો ટાપુમાં ફેરવાઈ ગયું હતું.

એનડીઆરએફની ટીમો વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દિવસરાત કામ કરી રહી છે. અત્યાર સુધી ૩૫૦૦ લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં જ એનડીઆરએફની ૨૦ ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત, અરવલ્લી, મહિસાગર તેમજ વડોદરામાં પણ અગમચેતીના ભાગ રુપે એનડીઆરએફની ટીમો ખડકી દેવાઈ છે. વરસાદને કારણે રાજયના ૧૭૧ જેટલા રસ્તા બંધ કરી દેવાયા છે, અને ૧૪૭ ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

રાજયમાં આવેલા ડેમોમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે. અત્યાર સુધી ૨૦૩ ડેમોમાંથી પાંચ ડેમો સંપૂર્ણ ભરાઈ ચૂકયા છે. ખેડૂતોએ પણ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. મહત્વનું છે કે, વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા હતા, અને કેટલીક જગ્યાએ તો વાવણી નિષ્ફળ જાય તેવો ડર પણ હતો. જોકે, હવે સારો એવો વરસાદ થતાં ખેડૂત વર્ગને રાહત પહોંચી છે.(૨૧.૨૯)

(4:01 pm IST)