Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બિનખેતી માટે માત્ર અરજી કરવાની, મોટાભાગના ડોકયુમેન્ટ સરકાર 'ઓનલાઇન' જોઇ લેશે

કલેકટર અને કારોબારી સમિતિની પાંખો કપાશેઃ ઝડપી અને પારદર્શક કામગીરી કરવાનો સરકારનો ઇરાદોઃ અમૂક એન.ઓ.સી.ના બદલે એફીડેવીટઃ જિલ્લાવાર નોડલ ઓફીસર મૂકાશેઃ રેલવે, એરપોર્ટ અને વીજ તંત્રના એન. ઓ. સી. બાબતે અગાઉથી જ સંકલન

રાજકોટ, તા., ૧૮: રાજય સરકારે કલેકટર તંત્ર અને જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી જમીનને બિનખેતીમાં ફેરવવાની પ્રક્રિયાને સરળ, સમયબધ્ધ અને પારદર્શક કરવા માટે ધરખમ ફેરફારો કરવાનું નક્કી કર્યુ છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. રાજય સરકારે તેના માટે નિષ્ણાંતોની સમીતી બનાવી છે. ઉચ્ચ કક્ષાએ ફેરફારોનો તખ્તો તૈયાર થઇ રહયો છે. આવતા દોઢ-બે મહિનામાં અમલીકરણ થઇ જાય તેવી શકયતા છે. નવી પધ્ધતી મુજબ બિનખેતી કરાવવા ઇચ્છનાર અરજદારે માત્ર સાદી અરજી કરવાની રહેશે. બાકીના જરૂરી મોટાભાગના ડોકયુમેન્ટ સરકાર ઓનલાઇન જોઇ લેશે.

હાલ બિનખેતી કરાવવા માટે અરજદારે નિયત નમુનામાં અરજી સાથે ૭/૧૨, ૮અ, હિસ્સા માપણી કોમ, પાર્ટ પ્લાન્ટ, ઝોનીંગ  સર્ટીફીકેટ, લેઆઉટ વિ. જોડવાના રહેશે. અરજીની પ્રક્રિયા વખતે તલાટીથી માંડી ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સતામંડળોના ના વાંધા પ્રમાણપત્રો જોડવાના રહેશે. અત્યારની બીન ખેતીની પ્રક્રિયા માટે સરકારે સમય મર્યાદા નકકી કરેલી જ છે પરંતુ તેમાં છીંડા શોધી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરીયાદો વ્યાપક બનતા સરકારે બીનખેતી પ્રક્રિયામાં ધરમુળથી ફેરફાર કરવાનું નક્કી કર્યુ છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ નવી ઓનલાઇન પધ્ધતીમાં અરજદારે બિનખેતી માટે માત્ર સાદી અરજી કરવાની રહેશે. ૭/૧૨ સહીતના જરૂરી મોટાભાગના સરકારી કાગળો સરકાર ઓનલાઇન જોઇને ખરાઇ કરી લેશે. અરજદાર પાસેથી એનઓસીના બદલે સોગંદનામું લેવામાં આવશે. દસ્તાવેજી પુરાવા બાબતનું સોગંદનામું ખોટુ સાબિત થાય તો અરજદારે  કાયદેસરની કાર્યવાહી સહન કરવાની તૈયારી રાખવી પડશે. રેલવે , એરપોર્ટ, વિજ કંપની વગેરે પાસેથી તેને લાગુ પડતા સર્વે નંબરની માહીતી અગાઉથી જ માંગી લેવામાં આવશે. જે જમીનમાં આ તંત્રના એનઓસી જરૂરી હોય તેની પાસે જ માંગવામાં આવશે. જેને લાગુ ન પડતું હોય તેવા અરજદારોને આ એનઓસી મેળવવામાંથી આપોઆપ મુકિત મળી જશે. દરેક જીલ્લામાં બીનખેતીને લગતી કામગીરી માટે ખાસ નોડલ ઓફીસરની નિમણુંક કરવામાં આવશે. હાલ બીનખેતીની અરજીની સમય મર્યાદા પુરી થવાના છેલ્લા દિવસોમાં કહેવાતો વાંધો દર્શાવી કવેરી કાઢવાની કેટલાક અધિકારીઓની ટેવ સરકારને ધ્યાને આવી છે તેથી સરકાર તે બાબતે પણ નિયંત્રણ કરવા માંગે છે.

બિન ખેતીની નવી ઓનલાઇન પધ્ધતી અમલમાં આવ્યા પછી અરજદારે કેટલા ડોકયુમેન્ટ આપવાના રહે છે અને પ્રક્રિયામાં કેટલી સરળતા આવે છે? તે તો નવા નિતી નિયમો જાહેર થયા પછી જ ખ્યાલ આવશે. બિન ખેતી પધ્ધતીના ધરખમ ફેરફારો ભ્રષ્ટાચાર મીટાવવાની દિશામાં મહત્વનું પગલુ બને અને અરજદારો માટે આશીર્વાદરૂપ સાબીત થાય તેવી સરકારને આશા છે. (૪.૧૩)

(2:57 pm IST)