Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નારોલ : મેળામાં ફન રાઇડ તૂટી પડતાં બેના કરૂણ મોત

નારોલ પોલીસે મેળાના સંચાલક સામે ગુનો નોંધ્યો : મૃત્યુ પામનારમાં ૧૬ વર્ષીય કિશોર સામેલ : રાઇડ તૂટી પડવાની ઘટનામાં અન્ય ૪ લોકોને ગંભીર પ્રકારની ઇજા

અમદાવાદ, તા.૧૮ : શહેરના નારોલ-અસલાલી હાઇવે પર આવેલ રંગોલીનગર પાસે યોજાયેલા ફન ફેરમાં ગઇકાલે રાતે એક ફન રાઇડ અચાનક તૂટી પડતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાઇડમાં બેઠેલી યુવતી અને કિશોરનાં ખૂબ જ ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં અન્ય ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે આનંદમેળામાં ભારે ચકચાર અને નાસભાગ મચી ગઇ હતી. નારોલ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્ટાફના કાફલા સાથે ત્યાં પહોંચી ગઇ હતી અને સમગ્ર બનાવ અંગે મેળાની સંચાલક મહિલા વિરૂદ્ધ બેદરકારી દાખવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, આ આનંદ મેળો ચલાવવા માટે સંચલાક મહિલા દ્વારા પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઇપણ મંજૂરી લેવાઇ ન હતી. નારોલ વિસ્તારમાં આવેલ પ્રેરણાનગરમાં રહેતા વિશાલ ગૌતમભાઇ વાસખોડાએ નારોલ પોલીસ સ્ટેશનમાં મેળાના સંચાલક વિરુદ્ધમાં બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, વિશાલ તેની ૨૦ વર્ષીય નયનાબહેનને લઇને ગઇકાલે રંગોલીનગરમાં બે દિવસ પહેલાં શરૂ થયેલા મેળામાં ફરવા માટે ગયો હતો. નયનાબહેન મેળાની એક રાઇડ્સમાં બેઠાં હતાં, જ્યાં એકાએક રાઇડસ તૂટી પડી હતી જેમાં નયનાબહેન સહિત તમામ લોકો જમીન પર પટકાયાં હતાં. નયનાબહેન અને ૧૬ વર્ષના અંકિત પ્રકાશભાઇ ચૌહાણનું ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ચાર કરતાં વધુ લોકોને ઇજા પહોંચતાં તેમને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મોડી રાતે નયનાબહેન સહિત તમામ લોકો રાઇડ્સમાં બેઠા ત્યારે નટ-બોલ્ટ ખૂલી રહ્યા હોય તેવો અવાજ આવતો હતો. રાઇડ્સ એ હદે સ્પીડમાં હતી કે લોકોએ રાઇડ્સને ઓપરેટર કરતા વ્યકિતને ધીમી કરવા માટે કહ્યું હતું. જોકે ઓપરેટરે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. સ્પીડમાં રાઇડ્સ ચલાવવાનું ચાલુ રહ્યું હતું. રાઇડ્સના બોલ્ટ નીકળી જતાં એકાએક રાઇડ્સ તૂટી ગઇ હતી અને તેમાં બેઠેલા તમામ લોકો જમીન પર પટકાયા હતા. આ ઘટનાથી મેળામાં ભારે અફરાતફરી મચી જતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. મેળામાં આવેલા લોકોએ ઇજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી. જ્યારે ઘટનાની જાણ નારોલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાઇડ્સમાં પટકાવવાથી નયનાબહેન અને અંકિતનું ઘટનાસ્થળે મોત થયું હતું. નારોલ પોલીસે આ મામલે મેળાનીસંચાલક લક્ષ્મી આનંદભાઇ શ્રીવાસ્તવ વિરુદ્ધમાં બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:13 pm IST)