Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૨૮ ટકા GSTના ભારણથી પેઈન્ટ્સના ઉદ્યોગ પર સંકટ

જીએસટી દર ઘટાડવા અંગે આવેદનપત્ર અપાયું : પેઈન્ટ્સ લક્ઝરી આઈટમ નહી પરંતુ જરૂરિયાત હોવાથી જીએસટી દર ઘટાડી ઉદ્યોગને બચાવવાની માંગણી કરાઈ

અમદાવાદ, તા.૧૭ : પેઇન્ટ્સ ઉદ્યોગ પર ૨૮ ટકા જેટલા ઉંચા જીએસટીના ભારણથી પેઇન્ટ્સ ઉદ્યોગ ખતરામાં છે અને જો તેના કરભારણમાં ઘટાડો નહી થાય તો આગામી દિવસોમાં પેઇન્ટ્સ ઉદ્યોગ ઠપ્પ થઇ જશે તેવી ગંભીર દહેશત ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટ એસોસીએશન(ઇસ્પા)ની મળેલી મહત્વની બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી. પેઈન્ટ્સ ઉદ્યોગ પર હાલમાં ૨૮ ટકા જીએસટી લાગુ છે તેને ઘટાડીને ૧૮ ટકા કરવાની માંગણી સાથે ઈન્ડિયન સ્મોલ સ્કેલ પેઈન્ટ એસોસીએશન(ઈસ્પા)ના પૂર્વ પ્રમુખ મધુકર શાહના નેતૃત્વ હેઠળ ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા એક આવેદનપત્ર ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાંણામંત્રી નિતીનભાઈ પટેલને સુપ્રત કરાયુ હતુ, સાથે સાથે તા. ૨૧મી જુલાઈએ નવી દિલ્હી ખાતે મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુજરાત સરકાર વતી ભારપુર્વક રજુઆત કરવાની પણ માંગણી કરી છે. જીએસટી દર ઘટાડવાની માંગણી સાથે ઈસ્પાના પૂર્વ પ્રમુખ મધુકર શાહ, પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, જી.ડી.બારોટ અને હાલના માનદ્ મંત્રી કનુભાઈ શાહ સહિતના આગેવાનોના પ્રતિનિધમંડળ તરફથી નાણામંત્રી નિતીન પટેલને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. આ અંગે ઈસ્પાના પુર્વ પ્રમુખ મધુકર શાહે જણાવ્યું હતું કે હાલમાં પેઈન્ટ્સ ઉદ્યોગ પર ૨૮ જીએસટી લાગુ છે. છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી ૧૮ ટકાની છે જે અંગે જીએસટી કાઉન્સિલ સાથે અગાઉ ભારપુર્વક ચર્ચા પણ કરી હતી. તા.૨૧મી જુલાઈએ જીએસટી કાઉન્સિલની નવી દિલ્હી ખાતે મળનારી બેઠકમાં આ મુદ્દે ગંભીરપણે ચર્ચા કરી પેઈન્ટ્સ પર જીએસટી દર ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટ એસોસીએશન(ઇસ્પા)ના પૂર્વ પ્રમુખ  મધુકર શાહે વધુમાં જણાવ્યું હતું કે, પેઈન્ટ્સ એ લક્ઝરી આઈટમ નથી પરંતુ એક જરૂરિયાત છે. માનવજાત અને દેશની અબજો રૂપિયાની સંપત્તિને કાટથી બચાવે છે. રાષ્ટ્રના વિકાસમાં જે માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે પેઈન્ટ્સ એક મહત્ત્વપુર્ણ અને અતિઆવશ્યક સાધન છે. સરકારના બ્રિજ-રેલવે, મોટા કારખાનાંઓ તેમજ ઘરવપરાશમાં પેઈન્ટ્સ ઉદ્યોગ ખૂબ જ ઉપયોગી છે તેને બચાવવાની જરૂર છે. પેઈન્ટ્સનો વપરાશ વધે એવા પગલાં સરકાર દ્વારા લેવાને બદલે તેના ઉપર ૨૮ ટકા જીએસટી કરભારણ હોવાથી વેચાણ ઉપર ગંભીર અસરો પહોંચી છે અને લાખો માણસોને રોજગાર આપતી એમએસએમઈ પેઈન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝને તાકીદે બચાવવાની જરૂર છે. ૨૮ ટકાના જીએસટી કરભારણથી દેશભરના હજારો પેઈન્ટ્સ લઘુ ઉત્પાદકોના વેચાણ ઉપર માઠી અસર થઈ છે. જીએસટીના કરભારણને લીધે સૌથી વધુ રોજગારી આપતો પેઈન્ટ્સ ઉદ્યોગ આજેે ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ જીએસટી કાઉન્સિલ આ અંગે ગંભીરપણે નહિં વિચારે અને જો તાત્કાલિક જીએસટી દરોમાં ઘટાડો નહી કરે તો, આગામી સમયમાં પેઈન્ટ્સ ઉદ્યોગ ઠપ્પ થઈ જશે અને અનેક લોકો રોજગારી ગુમાવશે. જેને પગલે દેશના અર્થંતંત્રને પણ મોટુ નુકસાન થશે. આ સંજોગોમાં જાહેર અને વ્યાપક હિતમાં પણ સરકારે પેઇન્ટ્સ ઉદ્યોગ પરના જીએસટી દરમાં ઘટાડો કરવો જોઇએ.

(9:30 pm IST)