Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જાંબુસરના પિલુદ્રામાં બાળકનું અપહરણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરવાના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા

બે વર્ષ પહેલા આરોપી શંભુએ ચાર વર્ષના બાળકનું અપહરણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાંડો ફૂટી જવાની બીકે ક્રુરતાથી હત્યા કરી હતી

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામના બાળકનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને હત્યા કરવાના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા ફરમાવાઈ છે પિલુદ્રા ગામમાં બે વર્ષ પૂર્વે ગામના જ એક શખ્સે આઈસ્ક્રિમ આપવાના બહાને બાળકનું અપહરણ કરી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં બાળકની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી આ બાબતનો કેસ ભરૂચની પોસ્કો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતો.
  સમગ્ર કેસની વિગત મુજબ જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા શંભુ રાયસંગ પઢિયારે વર્ષ 2016માં પોતાના જ ફળિયાનાં 4 વર્ષનાં બાળકનું આઈસ્ક્રિમ અપાવવાના બહાને અપહરણ કર્યું હતું. બાદમાં તેને ગામ તળાવ પાસે આવેલી દરગાહ પાસે આવેલી ઝાડીઓમાં જઈને બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં આ વાતનો ભાંડો ફૂટી જવાની બીકે શંભુએ બાળકની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી.

   સમગ્ર ઘટના સંદર્ભે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાયી હતી. બાદમાં આરોપીની ધરપકડ થતાં તેણે ગુનાની કબુલાત કરી હતી. પોલીસે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં એડિશનલ સેશન્સ જજ એચ.એ.દવેની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં સરકારી વકીલ આર.જે. દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી શંભુ રાયસંગ પઢિયારને કસુરવાર ઠેરવ્યો હતો. જેને વિવિધ કલમો હેઠળ સજા અને દંડ ફટકારતો ચૂકાદો આપ્યો હતો. જેમાં તેને દંડ સંહિતાની કલમ 302 હેઠળ દેહાંત દંડ(ફાંસી)ની સજા સંભળાવી હતી

(8:58 pm IST)