Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

વડોદરાના ફતેગંજમાં મોડી રાત્રે પોલીસને ચકમો દઈ રીઢો વાહનચોર રફુચક્કર

વડોદરા:ફતેગંજ પોલીસે ગઈ કાલે સેન્ટ્રલ જેલમાંથી કબજો લઈને ધરપકડ કરેલો રીઢો વાહનચોર ગઈ કાલે મોડી રાત્રે ફતેગંજ પોલીસ મથકના લોકઅપમાંથી પોલીસ કર્મચારીઓની નજર ચુકવીને ભેદી સંજોગોમાં ફરાર થતા દોડધામ મચી હતી.
મુળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો વતની ૨૬ વર્ષીય જાવેદ ઉર્ફ લોહા ઉર્ફ અફસરએહેમદ રિયાઝએહમદ પઠાણ હાલમાં વાપીમાં સેલવાસરોડ પર આશિયાના એપાર્ટેમેન્ટમાં રહે છે. તેની તાજેતરમાં ડીસીબી પોલીસે વાહનચોરીના ગુનામાં ધરપકડ કરતા તેણે ૨૦૧૬માં ફતેગંજ પોલીસ મથકની હદમાંથી પણ બે વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેને સેન્ટ્રલ જેલમાં મોકલાતા ફતેગંજ પોલીસે ગઈ કાલે તેનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી કબજો મેળવ્યો હતો.
ગઈ કાલે ફતેગંજ પોલીસ મથકમાં નશાબંધીના ગુનાના ત્રણ આરોપીઓ સાથે જાવેદને લોઅકપમાં રખાયો હતો. રાત્રે સવા એક વાગે ફતેગંજ પોલીસની પીસીઆર વાનના કોન્સ્ટેબલ મુકેશભાઈએ નશાબંધીના ત્રણેય આરોપીઓને મેડિકલ ચેક અપ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવા માટે લોકઅપનું તાળું ખોલી બહાર કાઢ્યા હતા અને લોકઅપને ફરી તાળું મારવાનું ભુલી જઈ તે તે આરોપીઓને લઈ રવાના થયો હતો.

(5:49 pm IST)