Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પ્રેમમાં અંધ પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને પતિની ક્રુર હત્યા

પ્રેમમાં આડખીલીરૃપ પતિની ઠંડા કલેજે હત્યાઃ બોરીજ ગામના યુવકે મુસ્લિમ યુવતીની સાથે લગ્ન કર્યા હતા : અરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૨૫: હિન્દુ યુવક સાથે પ્રેમલગ્ન કરનારી મુસ્લિમ યુવતીએ લગ્ન કર્યાના બે વર્ષમાં જ  ફરી ખુદ પોતાના મામાના પુત્ર સાથે પ્રેમ થઇ જતાં પ્રેમમાં આડખીલીરૃપ બનેલા હિન્દુ પતિનું મુસ્લિમ પત્ની અને તેના નવા પ્રેમીએ ભેગા મળી ઠંડા કલેજે કાસળ કાઢી નાંખ્યું હોવાનો કિસ્સો સામે આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામના આ ચકચારભર્યા કેસમાં ગાંધીનગર એલસીબીએ અને એસઓજી સહિતની ટીમો દ્વારા આરોપી પત્ની અસ્મા ઉર્ફે તનુ અને સરખેજમાં રહેતા તેના પ્રેમી સમીર મુરાજખાન પઠાણની ધરપકડ કરી લીધી હતી.   સંબંધોની ગરિમા લજવતાં આ ચકચારભર્યા કિસ્સાની સનસનીખેજ વિગતો એવી છે કે, ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામમાં રહેતો વિપુલ પંડયા નામનો યુવક એસબીઆઇની બેન્કમાં ખાનગી કાર ચલાવતો હતો. વિપુલને માત્ર ૧૪ વર્ષની મુસ્લિમ યુવતી અસ્મા ઉર્ફે તનુ સાથે આંખ મળી ગઇ હતી અને બંને વચ્ચે એટલી હદનો પ્રણયસંબંધ બંધાયો હતો કે, તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંડયા હતા. લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા બાદ બે વર્ષ પહેલાં જ બંનેએ આખરે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના બે વર્ષમાં જ અસ્મા ઉર્ફે તનુને સરખેજ વિસ્તારમાં રહેતા પોતાના મામાના પુત્ર સમીર મુરાજખાન પઠાણ સાથે પ્રેમ થઇ ગયો હતો. પોતાના પ્રેમમાં આડખીલીરૃપ બનેલા પતિ વિપુલ પંડયાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બંને પ્રેમીપંખીડાએ ઘડયો હતો. જે મુજબ, તા.૧૮-૪-૨૦૧૮ના રોજ અસ્માએ તેના પ્રેમી સમીર પઠાણને બોલાવ્યો હતો અને તેનો પતિ વિપુલ પંડયા ઘરમાં સૂતો હતો ત્યારે જ બંનેએ વિપુલને ઉઁઘમાં જ ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, હત્યા કર્યા બાદ વિપુલની લાશને સમીર પઠાણે ખભે ઉંચકી ઘરની બહાર લાવી વર્ના કારની પાછળની સીટમાં મૂકી હતી અને બાદમાં લાશને સગેવગે કરવા નીકળ્યા હતા. જેમાં પ્રેમી સમીર પઠાણ ગાંધીનગરના રસ્તાઓથી અજાણ હોઇ ખુદ પત્ની હત્યા કરનાર આરોપી પત્ની અસ્મા ઉર્ફે તનુએ સમીર જે પલ્સર બાઇક લઇને આવ્યો તે બાઇક પોતે ચલાવી સમીર પઠાણનું પાયલોટીંગ કર્યું હતું અને તેને રસ્તા બતાવવા દિશાસૂચન કર્યું હતું. બાદમાં બીજા દિવસે વિપુલ પંડયાની લાશ પોલીસને નર્દા કેનાલ પાસેથી વર્ના કારમાંથી મળી આવી હતી. જેને પગલે ગાંધીનગર એલસીબી, એસઓજી સહિતની ટીમોએ સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે બહુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને આખરે આરોપી પત્ની અસ્મા ઉર્ફે તનુ શંકાના ઘેરામાં આવતાં પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરી હતી, જેમાં તે ભાંગી પડી હતી અને ઉપરોકત ગુનાનો ભેદ આખરે ઉકેલાયો હતો.

પોલીસે આરોપી પત્ની અસ્મા ઉર્ફે તનુ અને તેના પ્રેમી સમીર પઠાણની ધરપકડ કરી લીધી હતી.

(9:14 am IST)