Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

દર્દીઓના નામે લોન લેવાનું હોસ્પિટલનું ખુલેલું કૌભાંડ

હોસ્પિટલના સંચાલક અને મેનેજરની ધરપકડ : સારવારનું બીલ ચૂકવવા દર્દીઓને ફાઇનાન્સમાંથી લોન અપાવતા હતા : ૧૪૫ દર્દીની સાથે ૧.૨૮ કરોડની ઠગાઇ

અમદાવાદ,તા. ૨૫: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલના સંચાલકો દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને સારવારનું બીલ ચૂકવવા બજાજ ફાઇનાન્સમાંથી લોન લેવા સમજાવી તેમની જાળમાં ફસાવી આચરાતા મસમોટા લોન કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દર્દીઓની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે હાથ ધરેલી તપાસમાં સમગ્ર ગુનાહિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે તપન હોસ્પિટલના સંચાલક નરેશ વાવડિયા અને મેનેજર પ્રદીપ પંચાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, તપન હોસ્પિટલના સંચાલકોએ અત્યારસુધીમાં આ પ્રકારે ૧૪૫ જેટલા દર્દીઓ સાથે ઠગાઇ આચરી હતી અને બજાજ ફાઇનાન્સમાંથી કુલ રૃ.૧.૨૮ કરોડથી વધુની લોન મેળવી હતી.      ઓઢવ પોલીસે સમગ્ર ગુનાહિત કૌભાંડનો પર્દાફાશ કરતાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, ઓઢવ વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં કોઇ દર્દી દાખલ થાય અને તેને સારવાર અપાય ત્યારબાદ તેનું બીલ ચૂકવતી વખતે હોસ્પિટલના સંચાલક નરેશ વાવડિયા અને હોસ્પિટલનું મેનેજમેન્ટનું કામ સંભાળતા પ્રદીપ પંચાલ તેમને બજાજ ફાઇનાન્સમાંથી લોન મેળવી બીલ ભરવા સમજાવતા હતા અને તેમની જાળમાં ફસાવતા હતા. બાદમાં દર્દીઓ તૈયાર થાય એટલે તેમના દ્વારા ભરાતા ફોર્મનો દૂરપયોગ કરી આરોપીઓ બીલની રકમ કરતાં વધુ રકમની પર્સનલ લોન લઇ લેતા હતા. બાદમાં જયારે દર્દીના ખાતામાંથી હોસ્પિટલના બીલ કરતાં વધુ હપ્તા કપાવા લાગ્યા ત્યારે દર્દીઓને ખબર પડી અને સમગ્ર મામલો ઓઢવ પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે દર્દીઓની ફરિયાદના આધારે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, બંને આરોપીઓએ અત્યારસુધીમાં આ મોડેસ ઓપરેન્ડી દ્વારા ૧૪૫ જેટલા દર્દીઓ સાથે ઠગાઇ કરી છે અને બજાજ ફાઇનાન્સમાંથી કુલ ૧.૨૮ કરોડથી વધુની લોન મેળવી લીધી છે. પોલીસ સૂત્રોના મતે, કૌભાંડનો આંક હજુ વધે તેવી શકયતા છે. વળી, આ સમગ્ર કૌભાંડમાં બજાજ ફાઇનાન્સના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શકયતા નકારી શકાતી નથી, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ જારી રાખી છે.

(9:50 pm IST)