Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સુરત:ત્રણ વર્ષના પુત્ર સાથે 12માં માળેથી છલાંગ લગાવી આપઘાત મામલે આઇટી ઇન્સ,પતિ અને સાસુ સામે ગુન્હો

ચાર વર્ષ પહેલા જ લગ્ન થયેલા ;આપઘાત પૂર્વે પિયરમાં ફોન કરીને કહેલ કે સાસુ અને પતિ તેની સાથે વાત નથી કરતા

 

સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં બે દિવસ પહેલા પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે 12મા માળેથી છલાંગ લગાવી આપઘાત કરનારી યુવતીના પતિ અને સાસુ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 29 વર્ષીય મૃતક ચંચલ નૈનનો પતિ ઈન્કમ ટેક્સ ઓફિસર છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પરિણિતાના પતિ અને સાસુ સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ નથી કરાઈ.

સુરતના અડાજણ વિસ્તારમાં સોમવારે 29 વર્ષીય મહિલાએ પોતાના અપાર્ટમેન્ટના 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાના ત્રણ વર્ષના બાળકને 12મા માળેથી ફેંક્યો હતો. બંનેના ઘટના સ્થળે મોત થયા હતા. ફરિયાદ મુજબ મૃતક ચંચલને તેનો પતિ તેમજ સાસુ માનસિક ત્રાસ આપતા હતા, અને તેની સાથે વાત પણ નહોતા કરતા.

  મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ચંચલના પતિ રામમહેર નૈન અને માતા રાજબાલા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે. ચંચલ અને રામમહેરના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, ચંચલે આપઘાત કરતા પહેલા પિયરમાં ફોન કર્યો હતો, અને જણાવ્યું હતું કે તેની સાથે પતિ અને સાસુ છેલ્લા ચાર દિવસથી વાત નથી કરી રહ્યાં.

  પોલીસના જણાવ્યા અનુસાર, ‘ચંચલે પતિને સોમવારે સવારે જણાવ્યું હતું કે, સાસુ રાજબાલા તેની સાથે વાત નથી કરી રહ્યાં. અંગે રામમહેરે પત્નીને કહ્યું હતું કે જો તેની મા તેની સાથે વાત નહીં કરે તો તે પણ તેની સાથે વાત નહીં કરે. જેનાથી લાગી આવતા ચંચલે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.’

  સોમવારે પતિ સાથે જોરદાર ઝઘડો થયા બાદ ચંચલ પોતાના દીકરાને ફેંકી પોતે પણ 12મા માળેથી કૂદી ગઈ હતી. ચંચલના ભાઈના જણાવ્યા અનુસાર, ચંચલને છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ અપાતો હતો. પરિવારજનો હરિયાણાથી ચાર દિવસ પહેલા પરત ફર્યા હતા, અને દરમિયાન ઝઘડો વધ્યો હતો. જેના કારણે ચંચલે પોતાના દીકરા સાથે આપઘાત કરી લીધો.

મહત્વનું છે કે, ચંચલના પિયર પક્ષના લોકોએ તેણે આપઘાત કર્યો તે વખતે તેઓ હરિયાણાથી આવે ત્યાં સુધી ડેડબોડીને હલાવતા તેમ કહેતા એકાદ કલાક સુધી ચંચલ અને તેના દીકરાના મૃતદેહ ઘટના સ્થળ પર પડી રહ્યા હતા. તેના પરિવારજનોની જીદને કારણે ચંચલનું પીએમ કરવામાં પણ મોડું થયું હતું.

(11:59 pm IST)