Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાલનપુરમાં ૧૧૩ વર્ષ પહેલા જન્મેલ વ્‍યક્તિનું જન્‍મનું પ્રમાણપત્ર તૈયાર કરવા તંત્રને કોર્ટનો આદેશ

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુરમાં કોર્ટે પ્રશાસનને 113 વર્ષ પહેલા જન્મેલી વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે, તેમના જન્મની નોંધણી 113 વર્ષ પહેલા કરવામાં નહોતી આવી.

ઉલ્લેખનીય છે કે, લિઓન જીરોમ ફેલિસિઓ ડિસુઝાનો જન્મ 11મી એપ્રિલ, 1905ના રોજ પાલનપુરમાં થયો હતો. પાલનપુર મ્યુનિસિપાલિટીમાં તેમના જન્મનો કોઈ રેકોર્ડ નથી. 37 વર્ષ પહેલા ગોઆથી અમદાવાદ જતી વખતે મુંબઈમાં અકસ્માત થતાં ડુસુઝાનું નિધન થયુ હતું. નવેમ્બર, 2017માં તેમના 60 વર્ષીય પુત્ર ફ્રેડ્રિક ફેલિક્સ ડીસુઝાએ પિતાના બર્થ સર્ટિફિકેટની માંગ કરી હતી.

118 વર્ષ પહેલા જન્મેલા ડીસૂઝાના બર્થ સર્ટિફિકેટની જરુર એટલે પડી કે તેમની 28 વર્ષીય પૌત્રીને અભ્યાસ માટે ફ્રાન્સ જવું છે. જો તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હોય તો તેને યૂરોપિયન યૂનિયન દેશોમાં ટ્યુશન ફીમાં કન્સેશન મળે. 1960 પહેલા ગોવામાં જન્મેલા લોકોના પરિવારને પોર્ટુગીઝ નાગરિકતા મળી શકે છે.

ડીસુઝાના પત્ની 1919માં ગોવામાં જન્મયા હતા, જેમનું બર્થ સર્ટિફિકેટ તો છે, પણ ડીસુઝાના સર્ટિનું હોવું પણ જરુરી છે. પાલનપુર મ્યુનિસિપાલિટી પાસે ડીસુઝાના જન્મનો કોઈ રેકોર્ડ ન હોવાને કારણે તેમના પુત્રને સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાસે મોકલવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પાંચ મહિના સુધી ચાલી હતી અને પરિવારે ડીસુઝાનો જન્મ પાલનપુરમાં થયો હતો તે સાબિત કરવા માટે 15 પુરાવા આપ્યા હતા.

ગયા અઠવાડિયે કોર્ટે પાલનપુરના ચીફ ઓફિસરને જન્મ તારીખનો દાખલો કાઢી આપવાનો આદેશ આપ્યો હતો. ફ્રેડ્રિકના એડવોકેટના જણાવ્યા અનુસાર, કોર્ટમાં સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ જમા કરવામાં આવ્યુ હતું. ધોરણ 4થી 8 સુધી ડીસુઝા પાલનપુર હાઈ સ્કૂલમાં ભણ્યા હતા. આ સિવાય અન્ય 14 ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવવામાં આવ્યા હતા.

(8:00 pm IST)