Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

યુપીના શખ્સોએ ઇન્ડીયન આર્મીના બનાવટી દસ્તાવેજો મધ્યપ્રદેશમાં તૈયાર કરાવી વડોદરા વેર હાઉસમાં નોકરી મેળવ્યાનો ધડાકો

૧૨ વર્ષ અગાઉ બોગસ દસ્તાવેજો બનાવેલાઃ તપાસનો દોર યુપી - મધ્યપ્રદેશ ઇન્ડીયન આર્મી ઓફીસરો સુધી લંબાયોઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ સોલંકી ટીમને વધુ એક સફળતા : ૧૫૦ થી વધુ લોકો સાથે કરોડોની ઠગાઇ કરી વિદેશ નાસેલો હસન અંતે એસઓજીની જાળમાં : લોકોમાં હર્ષની લાગણી

રાજકોટ, તા.,૭: એકસ આર્મીમેનના બનાવટી આઇકાર્ડના આધારે વડોદરાના સેન્ટ્રલ વેર હાઉસમાં સુપરવાઇઝર તથા ગાર્ડની નોકરી મેળવનાર શખ્સોની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં ઉતર પ્રદેશના આરોપી દ્વારા ઇન્ડીયન આર્મીનો ખોટો હોદો ધારણ કરી તેના આધારે બનાવટી દસ્તાવેજોના ઉપયોગ દ્વારા નોકરી મેળવવા માટે આરોપી દ્વારા આ બનાવટી કાર્ડો મધ્યપ્રદેશના જબલપુરમાં ૧ર વર્ષ અગાઉ બનાવ્યા હોવાનું ખુલતા એસઓજી પીઆઇ   શ્રી સોલંકી વિગેરે ચોંકી ઉઠયા હતા.

અત્રે યાદ રહે કે સ્પેશ્યલ ઓપરેશન ગૃપને બાતમી મળી હતી કે યશવીરસિંઘ ગુલેરીયા સિકયુરીટી એજન્સીમાં કેટલાક શખ્સો બનાવટી દસ્તાવેજો આધારે સેન્ટ્રલ વેર હાઉસ ખાતે સિકયુરીટી સુપરવાઇઝર તથા ગાર્ડ તરીકે ફરજ બજાવી રહયા છે. બનાવની ગંભીરતા સમજી એસઓજી પીઆઇ શ્રી સોલંકીએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા તેઓએ યુપી અને મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક સાધવા સાથે આર્મીના ઉચ્ચ અધિકારીઓનો  સંપર્ક સાધવા સક્રિય બન્યા હતા.

આરોપી પ્રભાકર શુકલા , રામકૃષ્ણ મિશ્રા અને સજ્જનસિંઘ રાજપુત વિગેરેને ઝડપી લઇ તેઓની પુછપરછ કરતા મધ્યપ્રદેશના જલબપુરના કર્નલના સહી સિક્કા સાથેના આઇકાર્ડ મળી આવ્યા હતા. ઇન્ડીયન આર્મી સાથે છેતરપીંડી  કરવાના આ મામલાની તપાસ ગંભીરતાપુર્વક અને ઉંડાણથી ચાલી રહી છે.

દરમિયાનમાં ૧૫૦ થી વધુ લોકોના બે થી અઢી કરોડની રકમ એકના ડબલના નામે ઉઘરાવી બે વર્ષથી વિદેશ નાસી ગયેલા કુવિખ્યાત હસનને પણ પોલીસ કમિશ્નરના માર્ગદર્શને હેઠળ એસઓજી ટીમે તેના બેનના ગોધરા નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો. લોકોના નાણા ડુબાડનાર શખ્સને ઝડપી લેતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવવા સાથે કેટલાક મોટી સંખ્યામાં લોકોએ પોલીસ કમિશ્નર અને એસઓજી પીઆઇના બહુમાન માટે આવવા કરેલી વિનંતીનો સવિવેક ઇન્કાર કરવામાં આવેલ.

(12:49 pm IST)