Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મધરાત્રે ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવ્યો : અગ્નિની જવાળામાં અજગરને ફેંક્યો

વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ચકચાર: વેન વિભાગે આરોપીની શોધખોળ આદરી

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી દીધાની ઘટના સામે આવી છે. સ્થાનિક કોઇ શખ્શોએ ગત મોડીરાત્રે અજગરને પકડી ખુલ્લી જમીન ઉપર આગ ઉભી કરી હતી. બેથી ત્રણ લોકોએ ભેગા મળી અજગરને આગમાં નાંખી દીધો હતો. અગ્નિની જ્વાળાઓમાં અજગરને ફેંક્યા બાદ તડફડીયા મારતો હોય ત્યાં સુધીનો વિડીયો વાયરલ થતાં જીવદયા આલમમાં ચકચાર મચી ગઇ છે.

 જાણવા મળ્યા મુજબ ડીસાના બોડાલ ગામે કથિત ઘટના બની હોવાનો વિડીયો જોઇ બનાસકાંઠા વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઇ છે. ગામમાં સરપંચને બોલાવી સમગ્ર બાબતે પંચનામુ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ આરોપી ઘટના બાદ ગામમાંથી ફરાર થઇ જતાં વનવિભાગે શોધખોળ શરૂ કરી છે. જોકે અજગરને ક્યાંથી પકડ્યો ? કોણે આગમાં હોમી દીધો ? શું કારણથી અજગરને મોતને ઘાટ ઉતાર્યો ? તે સહિતના સવાલો વનવિભાગ માટે મહત્વનના બની ગયા છે.

(1:13 pm IST)