Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

તલાટીઓ ગામડામાં હાજર ન રહે તે નહિ ચાલેઃ 'ઈ-ટાસ' ધ્યાન રાખશે

૧૦ હજાર જેટલા તલાટીઓ માટે હાજરીની અત્યાધુનિક પદ્ધતિ આવી રહી છેઃ ૩ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલ : તલાટીએ ફરજ સ્થળે નિયમિત હાજરીનો ઓનલાઈન પૂરાવો આપવો પડશેઃ જીઓ મેપીંગ આધારિત સિસ્ટમ

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય સરકાર દ્વારા પંચાયતના તલાટીઓની ગામડાઓમાં ફરજના સ્થળે હાજરી નિયમીત અને ફરજીયાત કરાવવા આધુનિક ટેકનોલોજી આધારીત ઈ-તલાટી એટેન્ડન્સ સિસ્ટમ અમલમા મુકવાનું નક્કી થયુ છે. 'ઈ-ટાસ' તરીકે ઓળખાતી આ પદ્ધતિનો રાજ્યના ૩ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલ શરૂ થઈ ગયો છે. અનુભવના આધારે ટેકનિકલ ક્ષતિઓ નિવારી નજીકના ભવિષ્યમાં તમામ જિલ્લાઓમાં અમલ કરવાની ગણતરી છે. રાજ્યમાં ૧૪૩૦૦ જેટલી ગ્રામ પંચાયતો અને ૧૦,૦૦૦થી વધુ તલાટીઓ છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના વહીવટમાં તલાટીની ભૂમિકા ચાવીરૂપ છે. કેટલાય તલાટીઓ ફરજના સ્થળે નિયમીત હાજરી આપવાના બદલે શહેર કક્ષાએથી વહીવટ કરતા હોવાની સરકારને ફરીયાદ મળેલ. ગામડાઓમાં ફરજના સ્થળે તલાટીની ગેરહાજરીથી તેની અસર ગ્રામિણ વિકાસકામો અને વહીવટ પર પડે છે. શહેરોની જેમ ગામડાઓને પણ સરકારી સુવિધાનો સરળતાથી લાભ મળે અને ગામડુ વિકાસના માર્ગે આગળ વધે તેવો સરકારનો અભિગમ છે. 'ઈ-ટાસ' જીઓ મેપીંગ આધારિત પદ્ધતિ છે. જેમાં કામકાજના દિવસોમાં તલાટીએ ગ્રામ પંચાયતની કચેરીમાં આવી સેલ્ફી લઈને મોકલવાની રહેશે. અન્ય સ્થળેથી સેલ્ફી લીધેલ હશે તો તૂર્ત જ સરકારી તંત્રને ખ્યાલ આવી જશે. ફરજના આવવાના અને જવાના બન્ને સમયે આ રીતે તલાટીએ ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. કોઈ તલાટી પાસે મૂળ ફરજ ઉપરાંત અન્ય ગામનો હવાલો હશે તો તે પોતાની અનુકુળતા અને જરૂરીયાત મુજબ કોઈપણ ગામમાં ફરજ પર રહી શકશે. જે દિવસે જે ગામમાં હોય ત્યાંથી 'ઈ-ટાસ'થી હાજરી પુરવાની રહેશે. ૩ જિલ્લાઓના પ્રાયોગિક અમલનો અભ્યાસ થઈ રહ્યો છે. સરકાર આવતા દિવસોમાં બધા જ તલાટીઓના મોબાઈલ ફોનમાં આ એપ ડાઉનલોડ કરાવી રાજ્યવ્યાપી અમલ કરાવવા માગે છે. સંપૂર્ણ વ્યવસ્થા સીએમ ડેસ્ક પરથી જોઈ શકાશે. કયા દિવસે, કયા ગામમાં, કયા તલાટીની હાજરી કે ગેરહાજરી છે ? તેની જાણકારી ગાંધીનગરના શાસકો આંગળીના ટેરવે મેળવી શકશે.

(11:38 am IST)