Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નવો ટ્રેન્ડઃ સ્ટેન્ડ અપ કોમેડી અને મ્યુઝીકલ બેન્ડને ગુજરાતના મેટ્રો સીટીઝમાં ભારે આવકાર મળે છે

મુકેશ- કિશોર- લત્તા- આશા- તલત- રફી- ગીતા- હેમંતના તબકકામાંથી હવે ગુજરાતી યુવા વર્ગ ગ્લોબલ ટ્રેન્ડ માણતો થયોઃ અત્યાર સુધી મ્યુઝીકલ સહિતના કાર્યક્રમોમાં વચ્ચે- વચ્ચે થોડી મિમિક્રી થતીઃ હવે સ્ટેન્ડ અપ કોમેડી શો માટે બ્લેક બોલે છે

અમદાવાદઃ સોશિયલ મીડિયા ઉપરાંત નેટફલીકસ, હોટસ્ટાર જેવી નેટસ્ટ્રીમિંગ વેબસાઈટ અને એમેઝોન પ્રાઈમની વધતી સ્વીકૃતિની સાથે સાથે જ અમદાવાદના કલ્ચરલ અને અમદાવાદીઓની વિક-એન્ડ નાઈટ- લાઈફમાં એક ચોક્કસ પણ બહોળા સમુહમાં એક મક્કમ ટ્રેન્ડ લોકપ્રિય બનતો ગયો છે. રસેલ પીટર્સ, વીર દાસ કે કુનાલ કામરા જેવા સ્ટેન્ડ- અપ કોમિડીયન્સના શો થઈ તો રહ્યા જ છે પણ સાથે જ તે હાઉસ- ફૂલ જઈ રહ્યા છે.

આ ટ્રેન્ડથી વાકેફ નથી તેમનેએ જાણીને આંચકો લાગે કે, જીએમડીસીમાં જયારે રસેલ પીટર્સનો શો યોજાવાનો હતો. ત્યારે બુક-માય-શો પર તેની ટિકિટ રૂ.બે હજારથી છ હજારની નક્કી થયેલી. પણ જયારે શો યોજાયો ત્યારે ટિકિટના બ્લેક થયાનું પણ જાણવા મળ્યું.

 રસેલ પીટર્સ મૂળ તો કેનેડિયન સ્ટેન્ડ-અપ કોમિડીયન પણ પોતે ભારતીય મૂળનો, પિતા ભારતીય, ઉછેરમાં ભારતીયપણું આવેલું. બાળપણ અને કિશોરાવસ્થાના પોતાના અનુભવોને કેનેડિયન-અમેરિકન ઓડિયન્સ સમક્ષ કોમેડી સ્વરૂપે રજૂ કરવાનું શરૂ કર્યું. તેને એટલે લોકપ્રિયતા મળી કે માત્ર એનઆરઆઈ જ નહીં પરંતુ અમેરિકન્સ અને કેનેડિયન ઓડિયન્સમાં પણ તેનો ચાહક વર્ગ વધ્યો.

નેટફ્લીકસ પર એક સ્ટેન્ડ-અપ કોમેડિયનની સિરીઝ શરૂ થઈ હોય તેનું ગૌરવ રસેલ પીટર્સને મળે છે. અમદાવાદમાં તેને બહોળો પ્રતિસાદ મળ્યો.

રસેલના શોના થોડા જ દિવસો પહેલા એચ.કે. કોલેજના હોલમાં મૂળ ભારતીય પણ અમેરિકામાં પણ સફળ શો કરી ચૂકેલા સ્ટેન્ડ-અપ કોમિડીયન વીર દાસના બે શો થયેલા. બંને ફૂલ હતા.

આ  ઉપરાંત, કેન્દ્ર સરકારની સટાયરીકલ ટીકાથી જાણીતો કુનાલ કામરા પણ તાજેતરમાં જ અમદાવાદમાં પરફોર્મ કરી ચૂકયો છે.

આમ,  મિમીક્રી આર્ટિસ્ટની સંસ્કૃતિ બદલાઈ હવે શહેરવાસીઓ સ્ટેન્ડ-અપ કોમેડીને પણ સમજી શકે છે, માણી શકે છે, ટ્રેન્ડ બદલાયો છે.

 શહેરની અને ખાસ કરીને યુથની કલ્ચરલ લાઈફમાં નવું પરિમાણ ઉમેરાયું છે. તે ઈન્ડિજિનિયસ મ્યુઝિકલ બેન્ડ્ઝનું  અમદાવાદમાં જ એવા કેટલાય મ્યુઝિકલ બેન્ડ્ઝ છે જે નિયમિત માત્ર શહેરમાં જ નહીં પણ વિવિધ રાજયોમાં પરકોર્મ કરી રહ્યા છે. તે ઉપરાંત, વડોદરા, ચેન્નાઈ, અગરતલા જેવા શહેરોના મ્યુઝિકલ બેન્ડ્ઝ પણ અમદાવાદમાં પરફોર્મન્સ માટે આવે છે.

અલબત્ત, સ્ટેન્ડ- અપ કોમેડિયન જેટલી મોટી સંખ્યામાં પ્રતિભાવ નથી મળતો પણ જે ફ્રિકવન્સીથી બેન્ડ્સ આવી રહ્યા છે અને તેનો ચાહકવર્ગ મકકમ ગતિએ વધી રહ્યો છે, એ ચોક્કસ કહી શકાય. વળી, રાગ સેઠીના કમ્પાસ બોકસ જેવા મ્યુઝિક એડિટિંગ, પ્રોડકશન સ્ટુડિયોઝ પણ અમદાવાદમાં આ મ્યુઝિકલ બેન્ડની વધતી લોકપ્રિયતામાં પોતાની ચોક્કસ ભૂમિકા ભજવી રહ્યા છે.

(11:34 am IST)