Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વીજ ગ્રાહકોની તકરારી ફરીયાદોનું ૩૦દિ'માં નિવારણ થશેઃ રાજકોટમાં દર અઠવાડિયે લોકપાલની બેઠક

નવા પ તકરાર નિવારણ કેન્દ્રો ખોલાશેઃ સચિવ રૂપવંતસિંહની જાહેરાત

ગાંધીનગર તા. ૧૮: ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ શ્રી રૂપવંતસિંહે જણાવ્યું છે કે, વીજ નિયમન ક્ષેત્રે પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી રાજ્યમાં કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે જે સમય મર્યાદા અગાઉ ૪૫ દિવસની હતી. એ જ રીતે વિદ્યુત લોકપાલ ગ્રાહકની ફરિયાદનું નિવારણ ૪૫ દિવસમાં લાવશે જે સમય મર્યાદા અગાઉ ૬૦ દિવસની હતી.

શ્રી રૂપવંતસિહે ઉમેર્યું કે, ગ્રાહક તકરાર નિવારણ ફોરમના કાર્યમાં પૂરતી પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી વીજ વિતરણ પરવાનેદારના નિવૃત અધિકારીને તેની નિવૃતીના બે વર્ષ સુધી તે જ વીજ વિતરણ પરવાનેદારના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અધ્યક્ષ તરીકે સમાવિષ્ટ કરી શકાશે નહીં. ગ્રાહકો, તકરાર નિવારણ કેન્દ્રનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર હસ્તકની તમામ વીજ વિતરણ કંપનીઓ અને ટોરન્ટ પાવર(અમદાવાદ) હેઠળ ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હાલ ૮ તકરાર નિવારણ કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં નવા પાંચ કેન્દ્રો કાર્યરત કરાશે.

ગ્રાહકો, વિદ્યુત લોકપાલનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી વિદ્યુત લોકપાલની સીટીંગ બેન્ચ અમદાવાદથી બહાર રાજકોટ શહેરમાં દર અઠવાડિયાના એક દિવસ માટે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સીટીંગ બેન્ચ તા.૦૧/૦૧/૨૦૨૦થી કાર્યાન્વીત થશે. ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રોના અધ્યક્ષ અને સ્વતંત્ર સભ્યો તરીકે પૂરતી યોગ્યતા ધરાવતા વધુ વ્યકિતઓ તરફથી અરજીઓ મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં અધ્યક્ષશ્રીઓ અને સ્વતંત્ર સભ્યશ્રીઓ ને એક સરખુ ભથ્થુ તા.૦૧/૦૧/ર૦૨૦થી લાગુ થાય તે રીતે રીવાઇઝ કરાયું છે.

આ ઉપરાંત ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને વિનિયમો ગ્રાહકલક્ષી બની શકે તે મુજબની અન્ય જોગવાઇઓ કરવામાં આવી છે. આ વિનિયમોની અને સૂચનાઓની નકલ આયોગની વેબ સાઇટ www.gercin.org પર ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

(10:52 am IST)