Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ધાટન: સ્ટેચ્યુનું કરશે અનાવરણ

શનિવારથી મુખ્યમંત્રી 40 ઉદ્યોગપતિઓ અને 10 અધિકારીઓએ સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે

 

ગાંધીનગર : ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 19 ઓક્ટોબરથી ઉઝબેકિસ્તાનનાં પ્રવાસે જઇ રહ્યા છે. મુખ્યમંત્રી 40 જેટલા ઉદ્યોગપતિ અને 10 જેટલા અધિકારીઓ સાથે ઉઝબેકિસ્તાનનાં અધિકારીક પ્રવાસે જશે પ્રવાસમાં તેઓ ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત યોજશે. ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રી સાથે ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. જેથી ઉઝબેકિસ્તાન સાથે વિવિધ કરાર થશે

 

   ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ શવકત મિરઝીયોયેવે ઉઝબેકિસ્તાનની એક સ્ટ્રીટનું નામ સરદાર પટેલ સ્ટ્રીટ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સ્ટ્રીટનાં છેડે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં મુકવામાં આવશે. સ્ટ્રીટનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટ્રીટ રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિત્રતાની નિશાની સ્વરૂપે મુકાયેલ સ્ટેચ્યુંનું અનાવરણ પણ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીનાં હાથે કરવામાં આવશે.

  મુખ્યમંત્રી સાથે રહેલા ઉદ્યોગપતિઓ ઉઝબેકિસ્તાન સાથેનાં વિવિધ કરાર હેઠળ ત્યાં રોકાણ કરવા અને ઉદ્યોગો સ્થાપવા માટેનાં કરાર કરશે. ઉઝબેકિસ્તાનનાં પ્રવાસેથી મુખ્યમંત્રી 23મી ઓક્ટોબર તેઓ પરત ફરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્યમંત્રી પેટાચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. ઉઝબેકિસ્તાન દ્વારા અગાઉ પણ ભારતનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રીત કરવામાં આવ્યા હતા. ઉઝબેકિસ્તાનનાં એમ્બેસેડર ફરહુદ અરઝીવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત યોજી હતી અને તેમને ઉઝબેકિસ્તાન આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

 

(11:44 pm IST)