Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતના IPL ખેલાડી મતદાન કરવાથી દૂર રહ્યા

ભરચક કાર્યક્રમ હોવાના કારણે મતદાનથી વંચિત : ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં પરિવાર સાથે મત આપ્યો

નવી દિલ્હી, તા. ૨૩ : હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રમી રહેલા ગુજરાતમાંથી મોટાભાગના ક્રિકેટરો આજે મંગળવારના દિવસે મતદાન કરી શક્યા ન હતા. આ ક્રિકેટરોના પરિવારે મતદાન માટે ન આવવા માટે આઈપીએલના ભરચક કાર્યક્રમની વાત કરી છે. એક માત્ર ક્રિકેટર જે મતદાન કરવા માટે પહોંચ્યો છે તેમાં ચેતેશ્વર પુજારાનો સમાવેશ થાય છે. પુજારા રાજકોટ માટે ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પુજારાએ આજે સવારે રાજકોટમાં બાધાપર ચાર રસ્તા નજીક રવિ વિદ્યાલયમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારાએ કહ્યું છે કે, પરિવારના તમામ લોકો એક સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. જો કે, રવિન્દ્ર જાડેજા (ચેન્નાઈ સુપર કિંગ), હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ), યુસુફ પઠાણ (સનરાઈઝ હૈદરાબાદ), પાર્થિવ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) મતદાન કરવા માટે પહોંચી શક્યા ન હતા. જાડેજાનો મત જામનગરમાં નોંધાયેલો છે જ્યારે બંને પંડ્યા બંધુઓના મત વડોદરા શહેરમાં નોંધાયેલા છે. પઠાણ પણ વડોદરા શહેરમાં આપે છે. પંડ્યા બંધુઓના પિતા હિમાંશુ પંડ્યાએ માહિતી આપતા કહ્યું છે કે, બંને આઈપીએલમાં રમી રહ્યા છે જેથી માત્ર એક દિવસ માટે શહેરમાં આવવાની બાબત તેમના માટે શક્ય દેખાતી નથી. મુંબઈ ઇન્ડિયન્સ ૨૬મી એપ્રિલના દિવસે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ સામે પોતાની આગામી મેચ રમનાર છે. કૃણાલ અને યુસુફે ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો તો. કૃણાલે  દિવાળીપુરા વિસ્તારમાં મતદાન કર્યું હતું જ્યારે યુસુફ પઠાણે તંડાળજામાં મતદાન કર્યું હતું. અમદાવાદના ખેલાડી જસપ્રિત બુમરાહને લઇને કોઇ વિગત ખુલી ન હતી.

(7:24 pm IST)