Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપના ચાણક્‍ય અમિતભાઇ શાહ વરદાયિની માતાના પરમ ભક્‍તઃ માતા-પિતાએ કુલદીપકની માનતા કરેલી અને અમિતભાઇ શાહનો જન્‍મ થયો

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાનું મંદિરઃ અમિતભાઇ શાહ દર નવરાત્રીએ માતાના દર્શન અને પુજા માટે અચુક જાય

ગાંધીનગરઃ ભાજપના મુખ્‍ય સુત્રધાર અમિતભાઇ શાહ વરદાયિની માતાના પરમ ભકક્ષ્ત છે. તેમના માતા-પિતાએ કુલદીપક માટે બાધા રાખેલી અને અમિતભાઇ શાહનો જન્‍મ થયેલો જેથી શાહ પરિવારને માતાજી ઉપર અપાર શ્રદ્ધા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પીએમ મોદીની સતત સભાઓ થઈ રહી છે. તો અમિતભાઇ શાહ પણ ધુંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. રાજકીય ગરમાવા વચ્ચે એક રસપ્રદ વાતને યાદ કરીએ, જે અમિતભાઇ શાહ સાથે જોડાયેલી છે. અમિતભાઇ શાહ આજે દેશના ગૃહમંત્રી છે. દેશની સુરક્ષીની સાથે સાથે તેઓ બીજેપીની નવી રણનીતિઓના મુખ્ય સૂત્રધાર પણ છે. પરંતુ શુ તમે જાણો છો કે, અમિત શાહના જન્મ માટે તેમના માતાપિતાએ માનતા રાખી હતી. તેમના માતાપિતાએ બાધા રાખી હતી. આ માનતા શુ છે અને એક ખાસ જગ્યા સાથે અમિત શાહના પરિવારનો અને માનતા પૂરી કરનારા માતા વિશે શું સંબંધ છે તે જાણીએ. 

અમિતભાઇ શાહના માતાજી અને પિતાજીએ માતા વરદાયિની પાસે માનતા માંગી હતી કે, તેમના ઘરમાં કુલદીપક આવે. સમયસર આ માનતા પૂરી પણ થઈ. માતા વરદાયિનીની કૃપાથી અમિત શાહનો જન્મ થયો હતો. આ જ કારણે અમિતભાઇ દર નવરાત્રિએ માતાના દર્શન અને પૂજા માટે જાય છે. 

માતા વરદાયિની વિશે... 

વરદાયિની માતાનું મંદિર ગાંધીનગનરા રૂપાલ જિલ્લામાં છે. જે ગાંધીનગરથી 13 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલું છે. વરદાયિની માતાનું મંદિર ગામની મધ્યે આવેલું છે. માન્યતા છે કે, વરદાયિની માતાનું આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ મંદિર દેવી વરદાયિનીની સમર્પિત છે. રૂપાલનું વરદાયિની માતાનું મંદિર નવરાત્રિ ઉત્સવ દરમિયાન ઘીની નદીઓ માટે પ્રખ્યાત છે. રૂપાલમાં નોમના દિવસે યોજાતી પલ્લી વર્લ્ડ ફેમસ છે. નવરાત્રિના તહેવાર પર દેવી વરદાયિનીના રથને ગામની વચ્ચોવચ કાઢવામાં આવે છે અને મુખ્ય મંદિર સુધી પહોંચાડવામા આવી છે. 

ઘીની પલ્લી મહોત્સવ રૂપાલમાં ફેમસ છે. ગામના લોકો અને ઈતિહાસ કહે છે કે, મહાભારતના સમયમાં આ તહેવારની શરૂઆત પાંડવોએ કરી હતી. આ દિવસે આસપાસના ગામના લોકો તથા દૂર દૂરથી રહેતા લોકો પોતાના પરિવાર સાથે ઘીની પલ્લીના દર્શન માટે આવે છે. લોકો નાના બાળકો માટે માનતા માને છે. ગામમાં પલ્લી કાઢીને આખા ગામમાં ફેરવવામા આવે છે. ગામમાં 27 સ્થાન પર પલ્લી રોકાય છે, જ્યાં દરેક સ્થાન પર લાખો ટન ઘીનો પ્રસાદ ચઢાવાય છે. પલ્લી રથ પર ઘી ઢોળવામા આવે છે. આ ઘી જેમની માનતા પૂરી થાય  છે તેમના દ્વારા દાન કરવામાં આવે છે. માનતા પૂરી થવા પર લોકો દર્શન માટે આવે છે, અને વરદાયિની માતાના આર્શીવાદ લે છે. 

પલ્લી એક સ્થાનથી નીકળી ગયા બાદ ત્યા અનોખા દ્રશ્યો સર્જાય છે. આખા ગામમા ઘીની નદીઓ વહેતી દેખાય છે. લોકો ઘીની નદી વચ્ચેથી પસાર થઈને ગામની બહાર નીકળે છે. આખા ગામમાં શુદ્ધ ઘીની મહેંક દિવસો સુધી ફેલાયેલી રહે છે. 

પલ્લીની ખાસિયત એ છે કે, આ પલ્લી ખીજડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. તેને ઉઠાવવા માટે સ્ટેન્ડની સાથે લગભગ 8 થી 9 ફૂટ ઉંચાઈની લાકડાની ફ્રેમ હોય છે. પવિત્ર ફ્રેમ પર 5 સ્થાનો પર અગ્નિ રાખવામાં આવે છે. એક વચ્ચે અને બાકીની ચાર ખૂણા પર. 

આ મંદિરની સુંદરતા પણ આંખો અંજાય એવી છે. આ મંદિર જોઈને તમને સોમનાથ મંદિરની યાદ આવી જશે. મંદિરની અંદર માતાના ગર્ભગૃહને શુદ્ધ સોનાથી સજાવવામાં આવ્યું છે. જોકે, 7-8 વર્ષ પહેલા મંદિર નાના સ્વરૂપમાં હતુ. પંરતુ બાદમાં તેનુ નવીનીકરણ કરીને ભવ્ય મંદિર બનાવાયું. 

આ ગામને અમિત શાહે સાંસદ તરીકે દત્તક લીધું છે. મંદિર બનાવવામાં અમિત શાહનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. 

(4:50 pm IST)