Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતની સિધ્‍ધિ ફરી રાષ્‍ટ્રીય લેવલે પહોંચીઃ વિશ્વાસ પ્રોજેકટને રાષ્‍ટ્રીય એવોર્ડ

નરેન્‍દ્ર મોદી અને અમિતભાઇ શાહ જેમના માટે ગૌરવ લે છે અને યોગાનુયોગ ગુજરાતમાં જ છે તેવા સમયે જ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ત્રિનેત્ર પ્રોજેકટે દેશભરમાં ગૌરવ અપાવ્‍યુ:વિશ્વાસ પ્રોજેકટના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા એવા એડી.ડીજી નરસિંહમા કોમાર દ્વારા નમ્રતાપૂર્વક પોતાના સાથી અધિકારી આઇજી પિયુષ પટેલ અને એડી.સીપી નીરજ બડગુજરને પણ યશના અધિકારી ગણાવ્‍યા

રાજકોટ તા.૨૮: જે પ્રોજેકટ અંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગૌરવ અનુભવે છે તેવા ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગતના ત્રિનેત્રને રાષ્‍ટ્રીય લેવલે એવોર્ડ મળતા ગુજરાતની સિદ્ધિ ફરી એક વખત રાષ્‍ટ્રીય લેવલે ચમકી છે. યોગાનુયોગ વડાપ્રધાન આજે ગુજરાતમાં રાજકોટ સહિતના સ્‍થળો પર છે, ત્‍યારે આ ગૌરવરૂપ ઘટનાથી તેમની ખુશાલીનો કોઇ પાર નહિ રહે.

જમ્‍મુ-કાશ્‍મીર અર્થાત કટારા ખાતે યોજાયેલ જાજરમાન સમારોહમાં કેન્‍દ્રીયમંત્રી ડો.જિતેન્‍દ્રસિંઘના હસ્‍તે આ એવોર્ડ ગુજરાતના લો એન્‍ડ ઓર્ડર વડા અને આ પ્રોજેકટના સ્‍વપ્નદ્રષ્‍ટા અને અધ્‍યક્ષ ટાસ્‍કફોર્સ ઓન વિશ્વાસ એવા રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા સ્‍વીકારવામાં આવેલ. અકિલા દ્વારા ગુજરાતને ખૂબ મોટી સિદ્ધિ બદલ નરસિંહમા કોમારને અભિનંદન પાઠવતા સ્‍વચ્‍છ છબી ધરાવતા આ અધિકારી દ્વારા આ સિદ્ધિમા સુરત રેન્‍જ વડા પિયુષ પટેલ તથા અમદાવાદના સેકટર-૧ના વડા એવા એડી.પોલીસ કમિશનર નીરજ બડગુજર પણ આ પ્રોજેકટના સભ્‍ય દરજજે અભિનંદનના અધિકારી હોવાનું નમ્રતાપૂર્વક જણાવેલ

ડિપાર્ટમેન્‍ટ ઓફ એડમીનીસ્‍ટ્રેટીવ રીફોર્મ્‍સ એન્‍ડ પબ્‍લીક ગ્રીવન્‍સીસ, ભારત સરકાર, નવી દિલ્‍હી દ્વારા ઇ-ગર્વનન્‍સ પ્રોજેકટના અમલીકરણમાં શ્રેષ્‍ઠતાને ઓળખવા અને પ્રોત્‍સાહન આપવા માટે, વર્ષ ૨૦૦૩થી દર વર્ષે રાષ્‍ટ્રીય પુરસ્‍કારો એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ હેઠળ તમામ કેન્‍દ્રીય મંત્રાલયો/ વિભાગો, રાજય/ કેન્‍દ્રશાસિત સરકારો, જિલ્લાઓ, સ્‍થાનિક સંસ્‍થાઓ, કેન્‍દ્ર અને રાજય સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો(પીએસયુ), શૈક્ષણિક/ સંશોધન સંસ્‍થાઓ(સરકારી અને બિન સરકારી)ને આવરી લેવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પોલીસભવન, ગાંધીનગર ખાતે કાર્યરત ત્રિનેત્રઃ ઇન્‍ટીગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટરનું નોમીનેશન મોકલવામાં આવેલ હતું. આ એવોર્ડના વિજેતા નકકી કરવા માટે મુખ્‍ય ચાર તબકકામાં મૂલ્‍યાંકન કરવામાં આવે છે.

નેશનલ એવોર્ડસ ફોર ઇ-ગર્વનન્‍સ સ્‍કીમ ૨૦૨૧-૨૨ હેઠળ નિયત કરાયેલ તમામ તબકકાઓ અને માપદંડો સફળતાપૂર્વક પાર કરવામાં આવતા ડિપાર્ટમેન્‍ટ ઓફ એડમીનીસ્‍ટ્રેટીવ રિર્ફોર્મ્‍સ એન્‍ડ પબ્‍લીક ગ્રેવેન્‍સીસ ભારત સરકાર, નવી દિલ્‍હી દ્વારા ૨૫મી નેશનલ કોન્‍ફરન્‍સ ઓન ઇ-ગવર્નન્‍સ દરમ્‍યાન યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં ગુજરાત પોલીસના ત્રિનેત્રઃ ઇન્‍ટીગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરનો રાષ્‍ટ્રીય કક્ષાનો એકસીલન્‍સ ઇન એડોપ્‍ટીંગ ઇમર્જીગ ટેકનોલોજીસ કેટેગરીમાં નેશનલ એવોર્ડસ ફોર ઇ-ગર્વનન્‍સ સ્‍કીમ ૨૦૨૧-૨૨નો ગોલ્‍ડ એવોર્ડ (ફર્સ્‍ટ રેન્‍ક)ના વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

(12:12 pm IST)