Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

૧૧ મહિનામાં ૧૦ર કરોડનો દારૂ ઝડપાયો

ડ્રાય ગુજરાતમાં ૧૧ મહિનામાં રપ૦૦૦ કેસ

નવી દિલ્‍હી તા. ર૮ :.. ગુજરાત પોલીસે જાહેર કરેલ આંકડાઓથી એવું લાગે છે કે ડ્રાય ગુજરાતમાં દારૂ છૂટથી વેચાય છે. આ વર્ષમાં ૧૦ર કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે અને તેની હેરફેર કરતા પકડાયેલ વાહનોની કિંમત ૧૦૬ કરોડ રૂપિયા છે.

ગુજરાત પોલીસે જાહેર કરેલઆ આંકડાઓ અનુસાર, ગુજરાતમાં દારૂની હેરફેરના દર મહિને સરેરાશ રર૭ર કેસ નોંધાયા હતા, ર૦રર ના ગત ૧૧ મહિનામાં રપ૦૦૦ કેસ નોંધાયા હતાં. આ સમય દરમ્‍યાન દર મહિને સરેરાશ ૩૦૦૦ આરોપીઓ એટલે કે ૧૧ મહિનામાં ૩૩,૦૦૦ આરોપીઓ ઝડપાયા હતાં.

બોટાદ લઠ્ઠાકાંડ દુર્ઘટનામાં પ૦ લોકોના મોત પછી પણ દેશી દારૂની ભઠ્ઠીઓ અને વચાણ ચાલુ જ છે. આ વર્ષના ૧૧ મહિનામાં દેશી દારૂની હેરફેરમાં ૧ લાખ લોકો ઝડપાયા હતા અને ૩ કરોડ રૂપિયાનો દેશી દારૂ પકડાયો હતો.

ડીજીપી આશીષ ભાટીયાએ  કહ્યું કે ગત ૧૧ મહિનામાં ૧૪૦૦ બુટલેગરોને પાસ હેઠળ સળીયા પાછળ ધકેલી દેવાયા છે. ૧૦૦૦ ને તડીપાર કરાયા છે. અને ૪૭,૦૦૦ ને ઝડપી લેવાયા છે. તેમણે કહ્યું કે અમે મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ જેવા રાજયો અને દિવ, દમણ અને દાદરાનગર હવેલી જેવા કેન્‍દ્ર શાસિત પ્રદેશોને ગુજરાતમાં દારૂનું સ્‍મગલીંગ કરનારા બૂટલેગરોને ઝડપી પાડવા સ્‍પેશ્‍યલ ડ્રાઇવ ચલાવવા પત્ર લખ્‍યો છે. મહારાષ્‍ટ્ર પોલીસે આ ૧ર શંકાસ્‍પદોને ઝડપી પણ લીધા છે.

(11:43 am IST)