Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પૂજારીની પત્નીના પ્રેમીએ જ સાડા ત્રણ લાખની રૂપિયાની સોપારી આપી પૂજારીની હત્યા કરાવી

ધાનેરાના ધરણોધર ગામે પૂજારીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો: પોલીસે બે આરોપીઓને દબોચી લીધા

બનાસકાંઠાના ધાનેરાના ધરણોધર ગામે પૂજારીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂજારીની પત્નીના પ્રેમી એ જ સાડા ત્રણ લાખની રૂપિયાની સોપારી આપી પૂજારીની હત્યા કરી હોવાની  વિગતો સામે આવી છે. એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ઘટનામાં સંડોવાયેલા હત્યારા પ્રેમી સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ધાનેરાના ગોળા ગામના અને હાલ ધરણોધર ગામે રહી મંદિરની પૂજા કરતા પૂજારી રમેશભારથી ભાણાભારથી ગોસ્વામીની હત્યા થયેલી હાલતમાં લાશ ધરણોધર નજીક બાવળોની ઝાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.અને પોલીસને જાણ કરાતાં ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ઝડપી પાડવા માંગ કરતાં કહ્યું હતું કે કોઈએ તેમને ફોન કરીને અજાણી જગ્યાએ બોલાવીને તેમની હત્યા કરી છે.
 પૂજારીની હત્યા કરાયેલી લાશ મળતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી અને લોકોમાં રોષ જોવા મળતાં હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવા પોલીસે LCB સહિતની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. LCB પોલીસે તપાસનો ધમધમાટ કરીને ગણતરીના કલાકમાં જ રાજસ્થાનના સાંચોર તાલુકાના સિવાણા ગામના પ્રકાશ લુહાર અને વાલીયાણા ગામના લુણારામ મેઘવાલ નામના બે આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ કરતાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
ધાનેરાના ગોલા ગામના શિવાભાઈ પટેલેને પૂજારીની પત્ની સાથે આડા સંબંધ હોઈ પૂજારીને તેની જાણ થતાં તેમને શિવાભાઈને પોતાના ઘરે ન આવવા કહ્યું હતું. આથી શિવાભાઈએ પૂજારીનું કાસળ કાઢવાનું નક્કી કરી તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા પ્રકાશ લુહારને પૂજારીની હત્યા કરવા માટે સાડા ત્રણ લાખમાં સોપારી આપી હતી. પ્રકાશ લુહારે આ કામ તેના એકલાનું ન હોવાનું કહી રાજસ્થાનથી અન્ય એક વ્યક્તિને લાવવાનું કહીને તેને રાજસ્થાનથી લુણારામ મેઘવાલને બોલાવ્યો હતો અને ત્રણેય જણાઓએ કાવતરું રચ્યું હતું. ભાગીયા તરીકે કામ કરતા પ્રકાશ લુહારે પૂજારી રમેશભારથીને ફોન કરીને બાવળની ઝાડીમાં બોલાવીને પોતાની વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. આ પછી પૂજારીના પાછળથી હાથ બાંધીને લોખંડના વાયરથી ગળું દબાવી મોત નિપજાવી ફરાર થઇ ગયા હતા.

(11:35 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST