Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમદાવાદમાં કોરોના રાફડો ફાટતા દર્દીઓ માટે જુદી-જુદી હોટેલોમાં 120 જેટલા બેડ બૂક કરાવાયા

કોરોનાના દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા હોવાની વાતને આડકતરું સમર્થન !!: મીઠાખળીની લેમન ટ્રી હોટેલમાં કુલ 60 બેડ અને બોડકદેવની એવલોન હોટેલ અને બેન્કવિટમાં 40 બેડ રખાયા

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા હોવાની વાતને પરોક્ષ રીતે સમર્થન મળ્યું છે આજે અમદાવાદની  જુદી-જુદી હોટેલોમાં 120 જેટલા બેડ બૂક કરવામાં આવ્યા છે જ્યાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવશે.કોર્પોરેશને આ રીતે સત્તાવાર રીતે એવું જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ બંનેમાં બેડની મહત્તમ સગવડ મળે તે પ્રકારના પ્રયાસ હાલમાં અ.મ્યુ.કો. દ્વારા કરવામાં આવ્યા છે.

કોઈ કોવિડ પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં એડમિશનની જરૂરિયાત જણાતી ન હોય પરંતુ ઘરમાં આઇસોલેશનની સગવડના અભાવના લીધે અથવા તો મોટી ઉંમરના ઘરડા વ્યક્તિના સઘન મોનિટરિંગ માટે જે તે દર્દીને આઇસોલેટેડ રાખી સારવાર આપવાના હેતુસર જે તે હોસ્પિટલના સુપરવિઝન હેઠળ નજીકની હોટેલને કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદમાં મીઠાખળીની લેમન ટ્રી હોટેલમાં કુલ 60 બેડ રાખવામાં આવ્યા છે. તેમા 20 બેડનું સંચાલન એચસીજી હોસ્પિટલ કરશે અને 40નું સંચાલન હૃદયસે કરશે. આ સિવાય બોડકદેવની એવલોન હોટેલ અને બેન્કવિટમાં 40 બેડ રાખવામાં આવ્યા છે. તેનું સંચાલન વી કેર ગાયનેક એન્ડ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કરશે. આ સિવાય એસ.જી. હાઇવે પર હોટેલ તુલિપ ઇનમાં 20 બેડ રાખવામાં આવ્યા છે તેનું સંચાલન સિમ્સ હોસ્પિટલ કરશે.

આ ઉપરાંત ઓઢવની સીયુએચ હોસ્પિટલમાં આઠ બેડ વધારવામાં આવ્યા છે. વસ્ત્રાલમાં નારાયણ મેડિકલ હોસ્પિટલમાં 24 બેડની સંખ્યા વધારવામાં આવ્યા છે. આમ કોર્પોરેશન દ્વારા કુલ 152 બેડની વધારાની સગવડ કોરોનાના દર્દીઓ માટે ઊભી કરવામાં આવી છે. આ સિવાય ખાનગી હોસ્પિટલ દ્વારા જો કોઈ કોવિડ કેર સેન્ટર માટે ભલામણ કરવામાં આવશે તો કોર્પોરેશન આ રજૂઆતને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરશે.

(11:12 pm IST)