Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

શાક માર્કેટમાંથી ડુંગળીના જથ્થાની ચોરી : તપાસ શરૂ

ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં ચોરીના બનાવઃ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સ્થિત માર્કેટમાંથી ૨૫૦ કિલો ડુંગળીની ચોરી : પોલીસ ફરિયાદ બાદ તપાસ

અમદાવાદ, તા. ૨૮: દેશના જુદા જુદા ભાગોની સાથે સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ડુંગળીના જથ્થાની ચોરીના બનાવોની પણ શરૂઆત થઇ ચુકી છે. લાભ ઉઠાવવાના હેતુસર ડુંગળીના જથ્થાની ચોરી થવાનો કિસ્સો સપાટી ઉપર આવતા સનસનાટી મચી ગઈ છે. સુરતમાં આ બનાવ બન્યા બાદ પોલીસ ફરિયાદ પછી તપાસનો દોર શરૂ થયો છે.  રાજયમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટને અસર થઈ છે. ૧૦૦ રૂપિયાની આસપાસ ડુંગળીના ભાવ પહોંચતાં હવે તસ્કરોની નજર ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી પર મંડાઇ છે. સુરત શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી માર્કેટમાંથી ૨૫૦ કિલો ડુંગળીની ચોરી થવાનો બનાવ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેથી ડુંગળીના વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાંથી ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની ચોરી થઈ હતી. તસ્કરોએ ૫૦થી ૫૫ કિલોની પાંચ જેટલી ગુણોની ચોરી કરી હાથ સાફ કર્યો હતો. હાલ ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયા આસપાસ હોઇ અંદાજે રૂ.૨૫ હજારની ૨૫૦ કિલો ડુંગળીની પાંચ બોરીઓની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને પાલનપુર પાટિયા માર્કેટના વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, વેપારીએ સમગ્ર બનાવ અઁકે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. ડુંગળીના વધેલા ભાવથી પરેશાન ગૃહિણીઓની સાથે ડુંગળીની ચોરીથી વેપારીઓ પણ પરેશાનથયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. માત્ર સુરત જ નહી પરંતુ સમગ્ર રાજયના વેપારીઆલમમાં ખાસ કરીને શાકભાજીના વેપારીઓમાં ડુંગળીની ચોરીના બનાવે ભારે ચર્ચા જગાવી હતી.

(9:40 pm IST)