Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

હવે નિત્યાનંદ આશ્રમમાં સેકસ રેકેટ અંગે પોલીસ તપાસ હાથ ધરશેઃ ડીપીએસ સ્કુલ અંગે સરકારે મહત્વના ડોકયુમેન્ટ મંગાવ્યા

વધુ એક નવો વળાંકઃ હાઇકોર્ટમાં બીજી ૪ હેબિયર્સ કોપર્સ દાખલઃ આજે વધુ સુનાવણીઃ આશ્રમની બંને સંચાલિકાઓના રિમાન્ડ પુર્ણઃ કોર્ટે વચગાળાના જામીન ફગાવ્યાઃ રેગ્યુલર જામીન અરજીઃ ૩૦ મીએ સુનાવણી

રાજકોટ તા.૨૮: અમદાવાદના હાથીજણ નિત્યાનંદ આશ્રમમાંથી યુવાન ગુમ થઇ હોવાની ફરિયાદ બાદ વિવાદમાં આવેલા નિત્યાનંદની રોજ નવી કરતૂતો બહાર આવી રહી છે. નિત્યાનંદ આશ્રમમાં સેકસ રેકેટ પણ ચાલતું હોવાની શંકા વ્યકત કરાઇ રહી છે. નિત્યાનંદે દક્ષિણ ભારતમાં પોતાના આશ્રમ શરૂ કરી વશીકરણ કરી હજારો લોકોને પોતાના અનુયાયી બનાવ્યા હતા. સ્ત્રી અને પુરૂષ બંને સાથે શારિરીક સંબંધ બાંધવાનો શોખીન નિત્ય આનંદ ધર્મના નામે ગોરખધંધા કરતો હતો પરંતુ એક મહિલા દ્વારા તેના પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ હાથીજણના નિત્યાનંદ આશ્રમમાં બાળકો ઉપર થતાં અત્યાચાર મામલે તપાસ કરી રહી છે. આથી તેણે કર્ણાટક પોલીસને મેઇલ કરી ત્યાં નિત્યાનંદ વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાઓ અંગેની વિગત અને તેના વિરૂદ્ધ કર્ણાટક પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતો માગી છે પરંતુ પાંચ દિવસ થયા છતાં હજી સુધી કર્ણાટક પોલીસે કોઇ જવાબ આપ્યો નથી. દરમ્યાન ડી.પી.એસ.સ્કૂલ બાબતે રાજ્ય સરકારે સીબીએસઇમાંથી કેટલાક ડોકયુમેન્ટ મંગાવ્યા છે. જે ડોકયુમેન્ટ મળતાં જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. બે ત્રણ દિવસમાં આ ડોકયુમેન્ટ મળે તેવી શકયતા છે. ત્યારબાદ ડી.પી.એસ.સ્કૂલના સંચાલકો, મંજૂલાપૂજા શ્રોફ, અમિત શાહ સહિત આ કેસમાં સંડોવાયેલા તમામ સામે કાયદાનો સકંજો કરાય તેવી શકયતા છે.

દરમિયાન નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ફરી એક નવો વળાંક આવ્યો છે. બીજી ૪ હેબિયસ કોપર્સ હાઇકોર્ટમાં થઇ દાખલ કરવામાં આવી છે. નિત્યાનંદ કેસમાં વધુ ચાર હેબિયર્સ કોપર્સ આશ્રમમાં રહેતા બાળકોના વાલીઓએ અરજી કરી. બાળકો પોલીસે ગોંધી રાખ્ય હોવાનો અરજીમાં દાવો. વાલીઓને પોલીસ તેમના સંતાનોને મળવા પણ નથી દેતી તેવો દાવો કર્યો હતો. હાઇકોર્ટે સાંજ સુધીમાં બાળકોને અને તપાસ અધીકારીને કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં હાજર ચારેય સગીર વિદ્યાર્થીઓને હાઇકોર્ટે પૂછતા કે તમે કોની સાથે રહેવા માંગો છો? ચારેયએ કહ્યું કે અમે ગુરૂકુલમાં રહેવા માગીએ છીએ. કોર્ટે પૂછયું બાળકોને શા માટે વાલી સાથે નથી મળવા દેવાતા. તે મામલે આશ્રમની સાધિકાએ કહ્યું અમે કોઇ વાલીને મળતા નથી રોકયા ૪ સગીરોને માટે થયેલી હેબીઅસ કોપર્સમાં કોર્ટે નોંધ્યુ કે બાળકોને કોઇ તકલીફ ના પડવી જોઇએ, પોલીસને તપાસના અધિકાર છે. ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે. તે પણ બધી બાબતોનું ધ્યાન રાખશે, બાળકોને વાલી સાથે જવું હોય તો તે જઇ શકે છે. સાથે સાથે બાળકોને પોલીસ તપાસમાં સાથ અને સહકાર આપવા કહ્યું હતું. વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.

બીજી બાજુ નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલીકાઓના ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજુ  કરતા કોર્ટે તેમને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યોહતો. જયારે બન્ને સાધિકાઓની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વચ્ચગાળાની જામીન અરજી ફગાવી દીધી જયારે બન્નેએ કરેલી રેગ્યુલર જામીન અરજી પર ૩૦ નવેમ્બરે સુનવણી હાથ ધરવામાં આવશે. નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલિકાઓના ૫ દિવસના રિમાન્ડ પુર્ણ થતાલ તેઓને કોર્ટમાં રજુ કરી પોલીસે વધુ ૩ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વધુ દિવસના રિમાન્ડ માંગવાના કારણે પોલીસે નીચે મુજબ જણાવ્યા હતા.  પ્રાણપ્રિયાના ખાતામાંથી ૯ લાખ ૬૪ હજાર ૬૦૦નું ડોનેશન મળ્યું છે. તે કોને આપ્યું છે. તે તપાસ કરવાની છે. કોટક મહિન્દ્રા બેકના વિઝા કાર્ડ ૪ મળ્યા છે. માસ્ટર કાર્ડ ર મળ્યા જે પ્રાણપ્રિયાના નામે છે. તેમાંથી પ્રાણપ્રિયાએ કોઇ વ્યવહાર કર્યો છે કે નહી તેની તપાસ કરશે. બંને સંચાલિકા પોલીસ તપાસમાં સહકાર નથી આપતી. તેથી ગુનામાં ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરીણી ચેલ્લાપ્પન ઉર્ફેમાં નિથ્યા પ્રાણપ્રિયાનંદા ઉ.વ.૩૦ તથા રિધી રવિકિરણ ઉર્ફેમાં નિથ્યા પ્રિયાતત્વાનંધા ઉ.વ.૨૪ની ધરપકડ કર્યા બાદ મિર્ઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજુ કરી ગુજરાત પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે મિર્ઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સંચાલિકોના પ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

(11:38 am IST)