Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકારનો નાશ કરવો હોય તો તેમને ચપ્‍પલથી નહીં ‘મત' મારજોઃ નીતિનભાઇ પટેલ ઉપર ચપ્‍પલ ફેંકાયા બાદ પરેશ ધાનાણીની પ્રતિક્રિયા

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાવા જઈ રહેલી પેટાચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે તમામ પાર્ટીઓએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતની મોરબી, લીંબડી, ગઢડા, ડાંગ, અબડાસા, કપરાડા, ધારી અને કરજણ વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે મતદાન થવાનું છે. જેમાં 15 લાખે જેટલા સૌરાષ્ટ્રના મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકોએ સુરતના વરાછા વિસ્તારમાં ધામા નાંખ્યાં છે.

ગત એક સપ્તાહમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા એક ડઝન કરતાં વધુ જાહેર સભાઓ ગજવવામાં આવી છે, ત્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વરાછામાં જનસભાને સંબોધી હતી.

પરેશ ધાનાણીએ કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “લોકશાહીમાં સામાન્ય લોકોને મત નામનું શસ્ત્ર આપવામાં આવ્યું છે. સત્તાના નશામાં ચૂર લોકોના અહંકારનો નાશ કરવો હોય તો, તેમને ચપ્પલથી નહીં મત મારજો.

ધાનાણીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ગુનેગારોને જેલમાંથી જામીન અપાવીને તેમને ચૂંટણી લડી રહેલા લોકોને ધમકાવવા મોકલવામાં આવે છે.

પેટાચૂંટણીની 8 બેઠકો જીતશે કોંગ્રેસ

ધારી-બગસરા અને ખાંભાના ઉમેદવાર સુરેશ કોટડિયાના સમર્થનમાં સુરત કોંગ્રેસ દ્વારા પૂણાગામના સરદાર ફાર્મમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જનમેદનીને સંબોધતા વિપક્ષ નેતા ધાનાણીએ કહ્યું હતું કે, પેટાચૂંટણીમાં કોંગ્રેસનો તમામ 8 બેઠકો પર વિજય થશે અને જનતા કમળને કચરામાં ફેંકી દેશે.

(4:45 pm IST)