Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સ્વનિર્ભર શાળાઓને વધુ એક અન્યાય : RTEની ફીમાં સરકાર દ્વારા ૨૫%નો કાપઃ શાળા સંચાલકો લાલઘૂમ

કોરોનાની સ્થિતિમાં આર્થિક મોરચે લડતા શાળા સંચાલકો કહે છે કે સરકાર પૂરી રકમ ચૂકવે

રાજકોટ, તા. ૨૮ : ગુજરાતની સ્વનિર્ભર શાળા અને રાજય સરકાર વચ્ચે વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો. રાજય સરકારે તાજેતરમાં એક પરીપત્ર કરી સ્વનિર્ભર શાળાઓ આરટીઈ હેઠળની ફીમાં ૨૫%નો કાપ મૂકવાની વાત કરતા શાળા સંચાલકો રોષે ભરાયા છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતે એક યાદીમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજયના શાળા સંચાલકોએ કોરોનાની વિપરીત સ્થિતિમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલુ રાખેલ. વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ - સમાજના વિશાળ હિતમાં ગત વર્ષ ૨૦૧૯-૨૦ મુજબની સ્કુલ ફી લેવી. વર્ષ ૨૦૨૦-૨૧ની શૈક્ષણિક ફીમાં ૨૫ ટકા જેવો અસહ્ય ઘટાડો સ્વીકારેલ. આ ફી ઘટાડા સમજૂતીનો ઉદ્દેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકારશ્રી દ્વારા વષૃ ૨૦૨૦-૨૧ની આરટીઈના વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતા ખર્ચ મુજબ ચૂકવાના થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે ૪૦ થી ૪૫ હજાર થાય છે. જેના બદલે સરકાર ફકત રૂ. ૧૦૦૦૦ રૂપિયા જ વિદ્યાર્થીદીઠ ચૂકવે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતની અખબારી યાદીમાં વધુમાં જણાવેલ કે તાજેતરમાં સરકારી પરીપત્ર મુજબ આ રકમમાં સરકારનો ઘટાડો કરવા સુચના અપાઈ છે. જે મુજબ સ્કુલને માત્ર રૂ.૭૫૦૦ જ મળનાર છે. સરકાર દ્વારા સમાજના અનેક વર્ગને આર્થિક સહાય જાહેર કરેલ છે. જે ખૂબ સારી વાત છે. શાળા સંચાલકો પણ વર્તમાન પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે સરકારશ્રી દ્વારા હાઈકોર્ટના આદેશ મુજબ પુરી રકમ ચૂકવવાને બદલે ફકત રૂ.૭૫૦૦/- ચૂકવવાનો નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે. ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયનો વિરોધ કરે છે અને રાજય સરકારને ખાસ આગ્રહ કરે છે કે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ તમામ શાળાઓને પૂરી રકમ ચૂકવે.

આ અંગે સંચાલક મંડળના મુખ્ય હોદ્દેદારો ભરતભાઈ ગાજીપરા, ડી.વી.મહેતા, જતીનભાઈ ભરાડ, રાજાભાઈ પાઠક, રાજેશભાઈ નકરાણી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

(3:44 pm IST)