Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નીતિનભાઈ પર ચપ્પલ ફેંકાવનાર રશ્મિન પટેલ ભાજપનો છે કે કોંગ્રેસી ?: માસ્ટર માઈન્ડ કોણ ?

ભાજપે શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો :રશ્મિન પટેલના પત્ની પણ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ રહી ચૂક્યા છે

અમદાવાદ : રાજ્યમાં પેટાચૂંટણીની સંદર્ભે કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યમંત્રી પર જૂતુ ફેંકાયું હતું. ત્યારે આખરે આ શખ્સ પકડાયો છે. શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિનભાઈ પટેલ પર જૂતુ ફેંકાયું છે.  પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે. પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી કે, રશ્મિન પટેલ પૂર્વ ભાજપી કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. ભાજપે જ તેને 2010 થી 2013 દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. તેમજ રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે રશ્મનિ પટેલે જૂતુ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.

   નીતિનભાઈ પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે, પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે. સવાલ છે કે રશ્મિન પટેલ કોણ છે. આ ઘટના પાછળ કોણ માસ્ટરમાઈન્ડ છે. નીતિન પટેલ પર જૂતુ ફેંકનાર વ્યક્તિ રશ્મિન પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ વિશે માહિતી આપતા પોલીસ વિભાગે જણાવ્યું કે, પોલીસને બાતમી મળી હતી કે, શિનોરના વ્યક્તિ દ્વારા કહેવાઈ રહ્યું છે આજનો જૂતાનો પ્લાન સફળ થયો છે અને હવે સેલિબ્રેશન કરવાનું છે. પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન રશ્મિન પટેલને પકડી લેવાયો છે. તેની પૂછપરછ કરાઈ હતી અને તેના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમા અમિત પંડ્યા નામના એક શખ્સ સાથે તેની ઓડિયો ક્લિપ મળી આવી છે. આ ઓડિયોમાં રશ્મિન કહી રહ્યો છે કે, જૂતુ ફેંકવાનો પ્લાન સફળ રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રશ્મિન પટેલ ભાજપના નારાજ જૂથનો સભ્ય હોવાનું કહેવાય છે. તેણે નારાજગીમાં આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. કોંગ્રેસે પણ સ્પષ્ટ કર્યું કે રશ્મિન પટેલ અમારો સદસ્ય નથી. પરંતુ પોલીસ કંઈ બીજી જ વાત કરી રહી છે. ભાજપ તરફથી નિવેદન આપતા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે જણાવ્યું કે, રશ્મિન પટેલ ભાજપનો હોવાની વાત ખોટી છે. તે લગભગ કેટલાક સમયથી કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. તે લાંબા સમયથી ભાજપ સાથે કામ કરતા નથી.

(1:35 pm IST)