Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારની થઇ ધરપકડ : કોંગ્રેસ સાથે છે સંબંધ

પોલીસે રશ્મિન પટેલ નામના વ્યકિતને મોબાઇલમાં વાતચીતના આધારે પકડ્યો છે

કરજણ,તા.૨૮ : કરજણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પલ ફેંકનારનું નામ રશ્મિન પટેલ છે અને તે શિનોરનો રહેવાસી છે અને કોંગ્રેસનો કાર્યકર્તા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  -

વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંકયું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જે બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર કહ્યું હતું કે, ચપ્પલ ફેંકવાનું કામ આપણા માણસોએ કરી દીધું છે. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો કલીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે.

નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયામાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસભામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે, આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જેમને ઈન્ડિયા ન ગમતું હોય, કેન્દ્ર સરકારના કાયદા ન ગમતા હોય તે પાકિસ્તાન જાય. નીતિન પટેલે આ વાત કહીને આડકતરી રીતે NRCના મામલે થઇ રહેલા વિરોધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના કામો નથી થતાં તેવું પણ છડેચોક કહેતાં કુતૂહલ સર્જાયું હતું. તેમણે જણાવ્યું કે, કરજણના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ  કોંગ્રેસ ધારાસભ્ય હતા ત્યાં સુધી તેમના કામ નહોતા થતાં પણ ભાજપમાં આવ્યા બાદ હવે તેમના વિસ્તારના કામ થવા લાગ્યા છે.

(10:57 am IST)