Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોર્ટ નિયમિત શરૂ કરવા વકીલો રસ્તા પર ઉતરશે

વાઇરલ થયેલા મેસેજમાં વકીલોને ડ્રેસકોડ સાથે ફેસ માસ્ક અને સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવા અપીલ થઇઃ આર્થિક પેકેજને મુદે પણ સરકારની ઉદાસીનતા વચ્ચે એડવોકેટ આલમમાં કચવાટ

સુરત, તા.૨૮: લોકડાઉનના દિવસોથી કોર્ટ કચેરીના કામકાજને ગ્રહણ લાગ્યું છે. આઠ માસ બાદ પણ રાજયભરની કોર્ટમાં રાબેતા મુજબ કામગીરી શરૂ નહીં થતાં વકીલોની આર્થિક સ્થિતિ પાતળી થઇ રહી છે. ન્યાયપાલિકામાં માત્ર તાકીદના કામો જ હાથ ઉપર લેવાઇ રહ્યાં હોય મોટાભાગના વકીલોએ આજીવિકા માટે રઝળપાટ કરવાનો સમય આવ્યો છે.આર્થિક પેકેજને મુદ્દે પણ સરકારની ઉદાસિનતા વચ્ચે એડવોકેટ આલમમાં ભારે ગણગણાટ વચ્ચે છૂપો કચવાટ છવાયો છે. આ મુદ્દે સરકારના કાને પોતાનો અવાજ લઈ જવા રાજયવ્યાપી લડતના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ અંગે તાજેતરમાં સોશ્યલ મિડીયામાં મેસેજ વાઇરલ થયો છે. આ મેસેજમાં ગુજરાતના ચારેય મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં આગામી તા. ર૯મીના રોજ એકસાથે એક જ સમયે રેલીનું આયોજન કરાયું છે. વકીલોને ડ્રેસકોડ સાથે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રસ્તા ઉપર ઉતરી અવાજ ઉઠાવવા તૈયારી થઈ રહી છે. સોશ્યલ મિડીયામાં વાઈરલ થયેલા મેસેજ મુજબ સુરત શહેરના અઠવાગેટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ સાઉન્ડથી જિલ્લા સેવા સદન ખાતે રેલીનું આયોજન કરાયું છે. રેલીને અંતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા ધારાશાસ્ત્રીઓ દ્વારા વિચારણા ચાલી રહી છે.

વકીલોના બુલંદ અવાજને મારો ટેકો છેઃ એડવોકેટ પ્રીતિ જોષી

શહેરના જાણીતા મહિલા એડવોકેટ પ્રિતી જોષીએ જણાવ્યું કે, ધારાશાસ્ત્રીઓ ન્યાયના વિશાળ હિતમાં લોકો માટે કાયદાકીય અવાજ ઉઠાવતા આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી વચ્ચે હવે વકીલો પોતાના માટે અવાજ ઉઠાવે તે જરૂરી થઇ પડ્યું છે. વકીલોને પણ પોતાની રજૂઆત કરવાનો હક્ક છે. યોગ્ય તકેદારી સાથે કોર્ટની કામગીરી ફરી શરૂ થાય તે ખૂબ જરૂરી છે. છેલ્લા આઠ માસથી કોર્ટ બંધ છે. હાલ માત્ર તાકીદની કામગીરીઓ જ થઇ રહી છે. ન્યાય માટે પક્ષકારો લાંબા સમયથી રાહ જોઇને બેઠા છે. કોર્ટની મોટાભાગના કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. આથી ઘણાખરાં વકીલો પણ આર્થિક મોરચે ઝઝુમી રહ્યા છે. સર્વના હિતમાં કોર્ટની કાર્યવાહી ફરી રાબેતા મુજબ શરૂ થાય તે અનિવાર્ય બન્યું હોય વકીલોના બુલંદ અવાજને મારો ટેકો છે.

રાજસ્થાનમાં રજી નવેમ્બરથી કોર્ટ શરૃઃ એડવોકેટ દીપક કોકાસ

ગુજરાતમાં કોર્ટ કચેરી ફરી શરૂ કરવા વકીલો દ્વારા આયોજિત થયેલી રેલીને મુદ્દે એડવોકેટ દિંપક કોકાસે જણાવ્યું કે, પડોશી રાજય રાજસ્થાનમાં આગામી તા. રજી નવેમ્બરથી કોર્ટની કામગીરી રેગ્યુલર થવા જઇ રહી છે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગુજરાતમાં પણ કોર્ટ ફરી શરૂ થાય તે ખુબ આવશ્યક છે. છેલ્લા આઠ મહિનાથી રાજયભરમાં મોટા ભાગના ધારાશાસ્ત્રીઓ રોજગારીને મૃદ્દે પરેશાન છે. આર્થિક તંગદિલી અનુભવી રહયા છે. હાલ કોર્ટમાં માત્ર ગણતરીના કામકાજ ચાલી રહ્યા છે. રેગ્યુલર કેસો ચાલી રહ્યા નથી તેની વિપરીત અસર ઊભી થઇ રહી છે. કોર્ટમાં નવા કેસોનો ભરાવો થઇ રહો છે. વર્તમાન સમયની સમીક્ષા કરી કોર્ટ ઝડપથી ફરી કેવી રીતે શરૂ કરી શકાય તે માટે યોગ્ય ગાઇડલાઇન જાહેર કરી ઝડપથી નિર્ણય લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

(10:57 am IST)