Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નિંદ્રાધીન પત્ની અને બાળકો પર એસિડ છાંટી પતિ ફરાર

અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના : પત્ની સાથે ઝગડો કરી મારઝૂડ કરતા દશેરાએ પુત્રએ જ પોલીસ બોલાવી હતી : માતા-બાળકો ગંભીરરીતે ઘાયલ

અમદાવાદ, તા. ૨૭ : બે દિવસ પહેલા બાપુનગરમાં પતિ પત્ની પર એસિડ ફેંકીને ફરાર થયો હતો. ત્યારે આવી વધુ એક ઘટના સોમવારે સામે આવી છે. વેજલપુરમાં નિદ્રાધીન પત્ની અને બાળકો પર બારીમાંથી એસિડ ફેંકીને પતિ નાસી છૂટ્યો હોવાનો બનાવ બન્યો છે. આ મામલે પુત્રીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એસિડ અટેકની દર્દનાક ઘટના અંગે આરોપીની ૨૧ વર્ષીય પુત્રી જયાએ નોંધાવેલી ફરિયયાદ અનુસાર, ૩ મહિના પહેલાં તેના છૂટાછેડા થયા હોવાથી તે પોતાની માતા શારદાબેન સાથે વેજલપુરના એકલદેવનગરમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ લોકોના ઘરે કામ કરીને ગુજરાન ચલાવે છે. માતા-પુત્રીની સાથે ત્રણ ભાઈ વિષ્ણુ (૧૯ વર્ષ), કરણ (૧૮ વર્ષ) અને અર્જુન (૧૬ વર્ષ) પણ રહે છે. જ્યારે મોટી પુત્રી રેખાના લગ્ન થયા હોવાથી તે કડી સ્થિત સાસરે રહે છે. પાંચ બાળકોના પિતા બાબુભાઈ જગદીશભાઈ ઠાકોર ઝઘડાળુ વૃત્તિના છે અને વારંવાર પરિવાર સાથે તેમની તકરાર થયા છે. જેથી તેઓ તેમને સાથે રાખતા નથી.

જયાના જણાવ્યા અનુસાર, જ્યારથી તેમનામાં સમજણ આવી ત્યારથી તેમણે માતા-પિતા વચ્ચેનો કંકાસ જોયો છે. તેમના પિતા માતા પર શંકા રાખી અવારનવાર મારઝૂડ પણ કરતા હતા. જેથી તેમના માતાએ સંતાનો સાથે અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. એક બાજુ માતા-પુત્રી સહિતના પરિવારના સભ્યો બે છેડા ભેગા કરવા માટે છૂટક કામ કરતા હતા. ત્યારે પિતા ઘરે આવીને તેમનું ભોજન પણ ખાઈ જતા હતા અને માતા ઘરે મળે તો તેની સાથે મારઝૂડ કરતા હતા. રવિવારે દશેરાના તહેવારે માતા શારદાબેન અને ભાઈ વિષ્ણુ નજીકમાં આવેલી ફરસાણની દુકાનમાં ફાફડા લેવા ગયા હતા. ત્યારે રસ્તામાં અચાનક તેના પિતાએ પાછળથી આવીને તેમની માતાને બાથ ભીડી અને ગડદાપાટુ મારવા લાગ્યા હતા. રસ્તા વચ્ચે તમાશો ના થાય એટલે માતા તેમને સમજાવીને ઘરે લાવ્યા હતા. પરંતુ ઘરે આવીને પણ બાબુભાઈએ પત્ની શારદા સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. આ જોતાં અર્જુને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે શારદાબેનને ફરિયાદ નોંધાવા સમજાવ્યા હતા પરંતુ દિવાળી નજીક હોવાથી ઘરનું કામ રહે છે અને કેસ કરીએ પૈસા તેની પાછળ વેડફાય તેમ કહીને તેમણે ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. મામલો ઠંડો પડ્યા બાદ પરિવાર સાંજે ગરબા જોઈને ઘરે આવીને સૂઈ ગયો હતો. માતા શારદાબેન તથા પુત્રી જયા બારી પાસે આવેલા પલંગ પર સૂતા હતા. જ્યારે ત્રણેય દીકરાઓ જમીન પર પથારી કરીને ઊંઘી ગયા હતા. દરમિયાન વહેલી સવારે લગભગ ૪ વાગ્યે શારદાબેને ચીસાચીસ કરતાં જયા જાગી ગઈ હતી. તેણે જોયું કે, પિતા બાબુભાઈ તેજાબ જેવું જલદ પ્રવાહી તેમના પર ફેંકીને ભાગી રહ્યો હતો.

આ ઘટનામાં શારદાબેનને મોં, છાતી, પેટ સહિતના અંગો પર ભયંકર ઈજા થઈ છે. જ્યારે જયાને જમણા હાથે, વિષ્ણુને ડાબા હાથે ઈજા થઈ છે. કરણ-અર્જુન પર પણ છાંટા ઉડતાં સામાન્ય ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં પાડોશીઓે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. શારદાબેન તથા જયાને ગંભીર ઈજા થતાં દાખલ કરવામાં આવ્યા છે. શારદાબેનને મોંના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેઓ બોલી નથી શકતાં. પરિણામે જયાએ ફરિયાદી બની પિતા બાબુભાઈ સામે ફરિયાદ કરી છે.

(9:07 pm IST)