Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

અમદાવાદઃ ટ્રાફિક પોલીસ હવે ડાબી બાજુ ટર્ન લેવાનો રસ્તો બ્લોક કરશે અને ઓન ધ સ્પોટ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાશે

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે જટીલ બનતી જાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રઇવ ચલાવીને વાહનચાલકોને પકડીને દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પણ શહેરના મહત્વના ચાર રસ્તાઓ એવા છે કે જ્યાં ફ્રી લેફ્ટ ટર્ન લેવો હોય તો ૭૦થી ૧૨૫ સેકન્ડ સુધી વાહનચાલકોને રાહ જોવી પડે છે. ચાર રસ્તાઓની ડાબી બાજુ વાહનચાલકોને ટર્ન લેવો હોય ત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. જેની સમસ્યાને કારણે વાહનચાલકોને અંદર અંદર બોલાચાલી અને મારામારી પણ થઇ જાય છે. ટ્રાફિક પોલીસ હવે ડાબી બાજુૂ ટર્ન લેવાનો રસ્તો બ્લોક કરશે ઓન ધ સ્પોટ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાશે.

ટ્રાફિક પોલીસે એવા કેટલાક રસ્તાઓ પસંદ કર્યા હતા જે રસ્તાઓ પરથી વાહનચાલકો રોન્ગ સાઇડ જવાનો પ્રયત્ન વધુ કરે છે અને તેને રોકવા માટે ડ્રાઇવ પણ ચલાવી હતી. હકીકતમાં મહત્વના રસ્તાઓ શહેરમાં એવા છે જે ચાર રસ્તાઓ અતિ વ્યસ્ત ચાર રસ્તાઓમાં સમાવેશ થાય છે. પરંતુ વાહનચાલકો સિગ્નલ ચાલુ થાય એટલે વહેલા નીકળી જવા માટે લેફટ ટર્ન સાઇડમાં રસ્તો બ્લોક કરીને ઊભા રહી જાય છે જેના કારણે પાછળ આવતા વાહનોને સિગ્નલ ચાલુ ન થાય ત્યાં સુધી ફરજિયાત ઊભા રહેવું પડે છે. ૭૦થી ૧૨૫ સેકન્ડ સુધી વાહનચાલકોને ઊભા રહેવું પડે છે. હોર્ન મારવા છતાં રસ્તો ક્લીયર કરાતો નથી અને આવી રીતે રસ્તો બ્લોક કરતા વાહનચાલકોને ઇ-મેમો આપવાના બદલે ટ્રાફિક પોલીસ ઝીબ્રા કોસિંગથી એક લાઇન આગળ નીકળી જાય તો સીસીટીવીમાં ફોટો પડી જાય છે. આવી બેવડી નીતિથી શહેરના વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. ડાબી બાજૂ ટર્ન લેવાનો રસ્તો ખૂબ સાંકડો હોય છે આવા સમયે કારચાલક કે રિક્ષાચાલક ઊભા રહી જાય તો કાર કે રિક્ષા આગળ પણ જઇ શકતા નથી જેના કારણે બીજા વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. ટ્રાફિક પોલીસના સૂત્રોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, અમારા ધ્યાન પર આવી સમસ્યા આવી છે અને હવે આવી રીતે ખોટી રીતે રસ્તો બ્લોક કર્યો હશે તો નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇઓ મુજબ ઓન ધ સ્પોટ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાશે.

(3:58 pm IST)