Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ત્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યોઃ નવસારીની પરિણીતાને પતિએ ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકીઃ દહેજના ૧.૯૦ લાખ રૂપિયા લીધાઃ સાસરિયાઓનો સતત ત્રાસ સુરતના લાલગેટ પોલીસમથકમાં ફરિયાદ

સુરતઃ નવસારીમાં રહેતા યુવકે પત્નીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના જેઠે પણ પરિણીતાની છેડતી કરી હતી. દહેજપેટે રૂપિયા લીધા છતાં સાસરિયાં ત્રાસ આપી હેરાન કરતા હતા. મહિલાએ નવા કાયદા મુજબ સુરતના લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતની વતની મુમતાઝ (નામ બદલ્યું છે)નાં લગ્ન નવસારીના રહેમાન(નામ બદલ્યું છે) સાથે 2012માં થયાં હતાં. રહેમાનની ડ્રાય ક્લિનર્સની દુકાન છે. દંપતિને એક દીકરી અને એક દીકરો છે. લગ્નના થોડા સમય બાદ રહેમાન સહિતનાં સાસરિયાંઓ ત્રાસ આપતાં હતાં. જેઠ-જેઠાણી રહેમાનની ઉશ્કેરણી કરતા જેથી તે મુમતાઝને ત્રાસ આપતો હતો.

દહેજપેટે 1.90 લાખ રૂપિયા મુમતાઝના પતિ સહિતનાં સાસરિયાંઓને આપ્યા હતા. ત્યાર પછી પણ મુમતાઝને ત્રાસ અપાતો હતો. 20 ઓક્ટોબરે મુમતાઝ ઘરમાં એકલી હતી ત્યારે રાત્રે તેના ત્રણ જેઠ પૈકી એક જેઠ આવ્યો હતો. તેણે મુમતાઝની છેડતી કરી હતી. આ બાબતે મુમતાઝે રહેમાનને ફરિયાદ કરતાં રહેમાને તેણીને તાત્કાલિક ત્રણ વખત તલાક બોલીને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. મુમતાઝે સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પતિ રહેમાન, ત્રણેય જેઠ અને એક જેઠાણી વિરુદ્ધ નવા કાયદા મુજબની અને છેડતીની ફરિયાદ નોંધાવી છે.

(12:39 pm IST)