Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદમાં રોગચાળો વકર્યો : છેલ્લા 25 દિવસમાં ડેન્ગ્યૂના 693 કેસ નોંધાયા

છેલ્લા 25 દિવસમાં સાદા મેલેરિયાના 199, ઝેરી મેલેરિયાના 16, ડેન્ગ્યૂના 693 અને ચીકનગુનિયાના 287 કેસ નોંધાયા

અમદાવાદ :શહેરમાં છેલ્લા બે મહિનાથી સતત મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 25 સપ્ટેમ્બરના 25 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 199, ઝેરી મેલેરિયાના 16, ડેન્ગ્યૂના 693 અને ચીકનગુનિયાના 287 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા ડેન્ગ્યૂના 693 કેસ પૈકી 266 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે.

અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ડેન્ગ્યૂના 255 કેસ નોંધાયા હતા જેની સરખાણીએ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2021 દરમિયાન ડેન્ગ્યૂના 1391 કેસ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાર સુત્રો જણાવે છે કે, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી. સામાન્ય સંજોગોમાં વરસાદની સિઝન પૂર્ણ થવાના આરે હોય અને શિયાળાની શરુઆત હોય તેવા બે મહિના એટલે કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના કેસ પીક ઉપર આવી શકે છે. ગત 2020માં ડેન્ગ્યૂના કેસ નિયંત્રણમાં હતા. કોરોનાના કારણે સ્કૂલો બંધ હતી. આંશિક લોકડાઉન અને કરફ્યુના કારણે પણ કેસો ઓછા હતા પણ આ વખતે ડેન્ગ્યૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે તા.1લી સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો કાર્યરત કરી દીધાં છે. તા.1લી જાન્યુઆરીથી 25 સપ્ટેમ્બર દરમિયાન 1391 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે જે પૈકી 25 ટકા કેસ 0થી 15 વર્ષની વયજુથના બાળકોમાં નોંધાયા છે.

જ્યારે 0થી 18 વર્ષની વયજુથની ગણતરી કરીએ તો, 35થી 40 ટકાની વચ્ચે કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના અધિકારી નામ ન આપવાની શરતે જણાવે છે કે, અમદાવાદ શહેરમાં એડિસ ઇજિપ્તી મચ્છરોનું બ્રિડિંગ વધી રહ્યું છે જેના કરડવાથી ડેન્ગ્યૂ વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ઝરમર અને છુટો છવાયો વરસાદી પડી રહ્યો છે જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થવાના કારણે મચ્છરોનું બ્રિડિંગ વધી રહ્યું છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો આવી રહ્યો છે. અગામી દિવસોમાં આ કેસ વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

(11:31 pm IST)