Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુપ્રીમકોર્ટના જજના અવલોકનની કોપી એક માસમાં રજુ કરવા વિરોધ પક્ષના નેતાને વિધાનસભા અધ્યક્ષની તાકિદ

જીએસટી સુધારા વિધેયક પર બોલતા પરેશ ધાણાનીએ સુપ્રિમ કોર્ટના જજ અને એક કેસને ટાંકતાં શાસક પક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊઠાવ્યો

ગાંધીનગર : ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જીએસટી આવ્યા પછી પણ બોગસ બિલિંગ અટકાવી શકાયું નથી. કરોડો રુપિયાના ખોટા ડેટાના આધારે બોગસ બીલિંગ થાય છે તેવા આક્ષેપો આજે ગૃહમાં કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે અંદાજીત 1 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં આજે બીજા દિવસે ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

 વિધાનસભામાં રજૂ થયેલ ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયકની ચર્ચા વેળાંએ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ  સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ તબક્કે જીએસટી સુધારા વિધેયક પર બોલતા પરેશ ધાણાનીએ સુપ્રિમ કોર્ટના જજ અને એક કેસને ટાંકતાં શાસક પક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊઠાવ્યો હતો. મહેસુલ મંત્રી અને પૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જજના અવલોકનની કોપી ગૃહમાં રજૂ કરે નહીં તો ઠપકો આપવામાં આવે તેવી રજુઆત કરી હતી આ દરમિયાન વિધાનસભા ગૃહના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ એક માસમાં આ કોપી રજુ કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીને તાકિદ કરી હતી.

ત્યારબાદ પરેશ ધાનાણીએ જીએસટી વિધેયક ઉપર વધુ બોલતા જણાવ્યું હતું કે સરકાર એરોપ્લેનનું પેટ્રોલ ડીઝલ સસ્તુ કરી શકે છે તો સામાન્ય લોકો કેમ વધુ રકમ ભોગવે ? એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો અને સરકારને પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં લાવવાની માંગ સાથે વેરાનુ ભારણ ઘટાડવા માટે સરકારને અપીલ કરી હતી.

આ તબક્કે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને પૂર્વ નાણામંત્રી નિતિન પટેલે કોંગ્રેસે કરેલા આક્ષેપોનો વળતો જવાબ આપતા વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે આપણી રાજ્યની આવક ઓછી ના થાય એટલે આપણે એને વેટમા જ રાખવી જોઈએ. જીએસટીમા જાય તો આવકના 50% રકમ કેંદ્રને આપવા પડે. જેનાથી રાજ્યોની આવક ઓછી થાય છે તેમ કહ્યું હતું.

તેમણે વિધાનસભા ગૃહમાં ઉદાહરણ આપ્યું હતું કે તાજેતરમાં હું નાણામંત્રી હતો ત્યારે છેલ્લે લખનઉંમાં જીએસટીની બેઠકમા પેટ્રોલ ડીઝલને જીએસટીમા લાવવા માટે ચર્ચા થઈ હતી. પરંતુ તમારા કોંગ્રેસના શાસનમાં રહેલી સરકારોએ પેટ્રોલ/ ડીઝલને જીએસટીમા ન લેવા કહ્યુ છે.એટલું જ નહીં કોંગ્રેસ શાસિત સરકારોએ પણ પેટ્રોલ-ડિઝલને વેટમા જ રાખવા કહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

જોકે બંને પક્ષના ધારાસભ્યોની નિવેદનબાજી પૂર્ણ થતાં આખરે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરેલા ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયકને વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું

(7:51 pm IST)