Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજયના આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં એકથી દસ ઇંચ વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર

અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસમાં રાજકોટ અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ યથાવત્ત રહેશે. તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે અને અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં 1-10 ઇંચ વરસાદની શક્યતા પણ છે. જેથી સરકાર દ્વારા સંબંધિત જિલ્લા અને જિલ્લાધિકારીઓના તંત્રને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલ ડિપ્રેશન છે, 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે હજી સુધી કંઇ પણ કહેવું મુશ્કેલ છે

(7:04 pm IST)