Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વસો તાલુકાના મિત્રાલ ગામ નજીક રોડ પર પસાર થતી વીજળીની લાઈનથી નાગરિકોના જીવને જોખમ

વસો:તાલુકાના મિત્રાલ ગામે બ્રાન્ચ શાળા આગળથી ઇન્દિરા નગરી તરફના રોડ ઉપરથી વીજળીની લાઈન પસાર થાય છે. ખુલ્લામાં લટકી રહેલા આ વીજ વાયરોને કારણે આસપાસના નાગરિકો સામે જોખમ વધ્યું છે. વરસાદમાં જો કોઇની ઉપર આ વાયર પડે કે અડે તો જાનમાલનું નુકસાન થવાની ભીતિ વધી છે.

વસો તાલુકાના મિત્રાલ ગામે નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  બ્રાન્ચ શાળા આગળથી ઇન્દિરા નગરી તરફના રોડ ઉપરથી પસાર થતી વીજ લાઇનના વાયર નીચે ઝૂલી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા કોઇ નાગરિક હાથ ઉંચે કરે તો વીજ વાયરને અડી જાય એટલા ભયજનક નીચે જીવતા વીજ વાયરો લટકતા જોવા મળે છે. થોડા સમય પહેલાં અનાજ ભરેલી ટ્રકને વીજ વાયર અથડાતા તૂટી પડતાં ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. જેનાં પગલે અફડતફડી મચી જવા પામી હતી. આ બનાવ સર્જાતા સ્થાનિક રહીશે દોડી જઈ ડીપીમાંથી વીજ પ્રવાહ બંધ કરી દીધું હતું. તેમજ ટ્રક ડ્રાઈવર ક્લીનર નીચે કૂદી પડતા જાનહાનિ ટળી હતી.વીજ વાયરો નીચે આવી ગયા હોઇ ઘાસ ભરેલા વાહન પસાર થતા હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની દહેશત રહેલી છે. આ અંગે સ્થાનિકો દ્વારા વીજ કંપનીમાં રજૂઆત પણ કરવામાં આવી છે.આમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. ત્યારે વીજ કંપનીના સત્તાધીશો કસ્બા તેમજ અન્ય વિસ્તારોમાં નીચે આવી ગયેલ વીજ લાઈન ઉંચે લેવા કાર્યવાહી હાથ ધરવા લાગણી વ્યાપી છે.

 

(6:54 pm IST)