Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દહેગામ તાલુકાના બારીયા ગામે શાકભાજીનો વ્યવસાય કરતા પિતા-પુત્રએ આર્થિક સંકટથી નર્મદા કેનાલમાં ઝંપલાવતા અરેરાટી

દહેગામ:  દહેગામ તાલુકાના બારીયા ગામના રહેવાસી અને અમદાવાદ ખાતે રહી શાકભાજીનો વ્યવસાય કરતા પરિવારના મોભી ધંધો ન ચાલતાં આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા હતા. હવે શું કરવું તેની કોઈ સુઝ ન પડતાં આખરે તેઓ દહેગામ શહેરમાં રહેવા આવ્યા હતા. ગત રોજ પરિવારના મોભી અને તેમનો પુત્ર એકાએક ગુમ થયા બાદ આજે બન્નેની લાશ રાયપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના બારીયા ગામે રહેતા લક્ષ્મણજી અમરાજી ઠાકોર (ઉ.વ.૬પ) અમદાવાદ ખાતે રહી શાકભાજી સહિત વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોનામાં ધંધો ન ચાલતાં તેઓ પોતાના વતન ખાતે રહેવા આવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી દહેગામ ખાતે આવેલ વાંટાવાડમાં પુત્ર મુકેશભાઈ લક્ષ્મણજી ઠાકોર (ઉ.વ.૩પ) સાથે રહેતા હતા. ગત રોજ પિતા-પુત્ર ગુમ થતાં પરિવારના સભ્યોએ તેઓની શોધખોળ આરંભી હતી. શોધખોળ દરમિયાન આજે સવારે ગાંધીનગર તાલુકાના રાયપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ બે વ્યક્તિઓની લાશ તરતી દેખાઈ હતી. જેથી પરિવારના સભ્યો કેનાલ ખાતે પહોંચી ગયા હતા. બાદમાં ડભોડા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. દહેગામ નગરપાલિકાના ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને બન્નેને બહાર કાઢવામાં આવતાં ગુમ થયેલ પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પિતા-પુત્રના આપઘાતની જાણ થતાં આસપાસના સંખ્યાબંધ લોકો એકઠા થઈ ગયા હતા. તો બીજી તરફ એકજ પરિવારના પિતા-પુત્રના મોતથી કેનાલ ખાતે રોકકળના દ્રશ્યો જોવા મળતા હતા. જરુરી કાર્યવાહીના અંતે પોલીસે બન્ને મૃતદેહને પી.એમ.માટે માકેલી આપ્યા હતા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર મૃતક લક્ષ્મણજીએ આર્થિક સંકળામણના લીધે પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે દહેગામ શહેરમાં રહેતા એકજ પરિવારના બબ્બે સભ્યોના મોતના સમાચારના પગલે જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

(6:52 pm IST)