Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સતલાસણા તાલુકાના યુવતીને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સતલાસણા:તાલુકાના એક ગામડામાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીને તેના પતિ અને સાસરિયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તેણીએ લગ્ન અગાઉ યુવક દ્વારા અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે.

સતલાસણા તાલુકાના  ભાલુસણા ગામની એક યુવતિને ગામના જ વિશાલ નાનચંદ સુથાર સાથે પરિચય થયો હતો. ૧૧ માસ અગાઉ તેણીને આ યુવક ભગાડી ગયો હતો અને બન્નેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેઓ અમદાવાદ ખાતે રહેતા હતા. પરંતુ અહીં તેના સસરા નાનચંદ સુથાર, સાસુ ભીખીબેન અને નણંદ અનિતા તેમજ દેવકી યુવતી સાથે જાતિ વિરુધ્ધ અપમાનજનક વર્તાવ કરીને ત્રાસ આપવાનું શરૂ થયું હતું. જ્યારે તેના પતિએ લગ્ન જીવન દરમિયાન માર મારીને અપમાનીત કરી હતી. જેથી કંટાળીને યુવતીએ અગાઉ સતલાસણા પોલીસ મથકે અરજી આપી હતી. જેની તપાસ બાદ છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે તા. ૧-૧૧-૨૦ થી તા. ૧-૮-૨૦૨૧ ના સમયગાળામાં ભોગ બનેલી યુવતીને વિશાલે ખેરાલુ પંથકની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેણીની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેના આધારે પોલીસે યુવતીના પતિ સહિત પાંચ સાસરિયા વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:51 pm IST)